આજે વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧ર એટલે કે, કારકિર્દીલક્ષી અભ્યાસના આ વર્ષનું વાર્ષિક પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર આજે સવારથી વિદ્યાર્થી અને વાલીઓનો મેળાવડો જાવા મળ્યો હતો. આજે અનેક સ્કુલોમાં વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમને કુમકુમ તિલક કરી અને આવકારવામાં આવ્યા હતા અને પરીક્ષા માટે શુભકામના પણ પાઠવવામાં આવી હતી
જૂનાગઢ શહેર સહિત ગુજરાતભરમાં આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આખું વર્ષ સતત મહેનત કરી રહેલા વિદ્યાર્થીને આ પરીક્ષા એક અમૂલ્ય અવસર સમી લાગી રહી છે. હોંશિયાર અને ચબરાક વિદ્યાર્થીઓ આ પર્વને બમણા ઉત્સાહથી ઉજવશે. જા કે, ઘણા એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જે બધી રીતે હોંશિયાર હોવા છતાં પણ પરીક્ષાના હાઉથી ભયભીત બની જતા હોય છે અને તેને લઈને તેમના પરિણામો ઉપર પણ અસર થતી હોય છે. જા કે, છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દુર થાય તેવા પ્રયાસો સતત થઈ રહ્યા છે. પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓને પૂષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કરી અને તનાવમુક્ત વાતાવરણ વચ્ચે પરીક્ષા દેવાય તે માટેના પ્રયાસો જે તે શાળાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ચોરી, ચપાટી સહિતની કોઈપણ પ્રવૃત્તિ ન થઈ શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા પરીક્ષા તકેદારીના પગલા લેવાયા છે. ૩૩ કેન્દ્રમાં ૧૮૭ બિલ્ડીંગ અને ૧૮૯૯ જેટલા બ્લોકમાં પરીક્ષા શરૂ થયેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ સંદર્ભે જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવેલ છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જૂનાગઢ અને કેશોદ એમ ૨ ઝોનમાં સમગ્ર પરીક્ષાનુ સંચાલન કરાઈ રહેલ છે જેમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૫૬ હજાર ૦૧૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહેલ છે. સમગ્ર પરીક્ષાનું ૩૩ કેન્દ્રમાં ૧૮૭ બિલ્ડીંગ અને ૧૮૯૯ જેટલા બ્લોકમાં કરાયેલ આયોજન અંતર્ગત ધોરણ ૧૦માં ૧૦૧ બિલ્ડિંગ અને સામાન્ય પ્રવાહના ૬૬ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૦ બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ વર્ષે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જેને કારણે પરીક્ષા દરમ્યાન થતા કોપી કેસ ઉપર કાબૂ મેળવી શકાય અને વિદ્યાર્થીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, શાપુર, રાણપુર, ખોરાસા, માણાવદર, ગડુ શેરબાગ, માંગરોળ, મજેવડી, લોએજ, દિવરાણા, માળીયા વગેરે ર૦ કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા છે. અમરેલી જિલ્લામાં ૯ જયારે જામનગર જિલ્લામાં સિક્કા અને ધ્રોળને સંવેદનશીલ કેટેગરીમાં મુકાયા છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક પણ કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરાયેલ નથી. દરમ્યાન આજથી શરૂ થયેલી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે.