માણાવદર તાલુકાના રફાળા ગામે યુવાનની ઘાતકી હત્યા

0

માણાવદર તાલુકાનાં રફાળા ગામે ગઈકાલે મોડી સાંજે બે પરીવારો વચ્ચે અગાઉના પ્રેમ પ્રકરણ બાબતે ડખ્ખો થયો હતો અને ઘાતક હથિયારો વડે મારામારી થતાં એક યુવાનની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવમાં મૃતકની ભાભીને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.
આ ચકચારી બનાવની મળતી વિગત અનુસાર માણાવદર તાલુકાનાં રફાળા ગામનાં કંચનબેન મહિપતભાઈ ચાંડપા (ઉ.વ.૩૦)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર નયન ચના ચાંડપા, ચાનાભાઈ મંગાભાઈ ચાંડપા, કંચનબેન ચનાભાઈ ચાંડપા, દક્ષાબેન ચનાભાઈ ચાંડપા, અમીબેન મંગાભાઈ ચાંડપા, રમેશભાઈ મંગાભાઈ ચાંડપા (રહે. તમામ રફાળા)વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નયન ચના ચાંડપા તથા મૃતક રસીકભાઈ વસ્તાભાઈ ચાંડપાની ઘરવાળી પૂજાને પ્રેમ સંબંધ હોય અને જેના કારણે રસીકભાઈ ચાંડપાએ તેની ઘરવાળીને છૂટાછેડા પણ આપી દીધા હોય અને જેનું મનદુઃખ સતત ચાલી રહ્યું હોય આ દરમ્યાન ગઈકાલે કંચનબેન મહિપતભાઈ ચાંડપાની દિકરી વૈશાલી અભ્યાસ કરી શાળાએથી ઘરે આવતી હોય તે દરમ્યાન નયન ચના ચાંડપાએ પોતાની છકડો રીક્ષા તેની પાસેથી કાઢી હતી. આ બનાવ અંગે નયન ચના ચાંડપાને ઠપકો આપવા જતાં આરોપીઓએ કાવતરૂં રચી, એકસંપ કરી તેમજ નયન ચના ચાંડપાએ રસીકભાઈ ચાંડપાને માથાના ભાગમાં કુહાડીનો ઘા મારી તથા ચનાભાઈ મંગાભાઈ ચાંડપાએ લોખંડના સળિયાથી તથા અન્ય આરોપીઓએ લાકડાના ધોકાથી માર મારતાં રસીકભાઈ વસ્તાભાઈ ચાંડપાને ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેનો ડાબા હાથનો અંગુઠો કાપી નાંખી તેમજ માથાના પાછળના ભાગે પણ જીવલેણ ઘા મારતાં રસીકભાઈ ચાંડપાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું જયારે ફરીયાદીને પણ લાકડાના ધોકાથી માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચાડવામાં આવતાં તેમને પ્રથમ માણાવદર અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. દરમ્યાન આ હત્યાના બનાવ અંગે પોલીસને જાણ થતાં બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. મારૂ અને પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયા હતા અને તપાસની કામગીરી હાથ ધરી છે. આ બનાવના અનુસંધાને કંચનબેન મહિપતભાઈ ચાંડપાની ફરીયાદને આધારે ૬ વ્યકતીઓ સામે કલમ ૩૦ર, ૩ર૬, ૩ર૪, ૩ર૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧ર૦(બી) જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ કે.કે. મારૂ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!