સાસણનાં જંગલમાં રાજકોટનાં આધેડની થયેલી હત્યાનો ભેદ ઉકેલતી જૂનાગઢ પોલીસ : આરોપીની ધરપકડ

0

રાજકોટનાં કોઠારીયા રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વણીક સોની મનોજભાઈ સીમેજીયા (ઉ.વ. પ૧) છેલ્લા સાતેક વર્ષથી ગુમ હતા. આ દરમ્યાન સાસણ રોડ ઉપર જંગલ વિસ્તારમાંથી તેમની હત્યા કરાયેલી હાલતમાં હાડપિંજર મળી આવતાં ચકચાર જાગી ઉઠી હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ આર.સી.કાનમીયા, પીએસઆઈ આર.કે. ગોહીલ અને મેંદરડાનાં પીએસઆઈ એ.બી. દેસાઈ અને સ્ટાફ દ્વારા સતત તપાસનો ધમધમાટ હાથ ધરી અને આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં ભારે સફળતા મળી હતી. પત્નીએ જ પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ ચકચારી બનાવ અંગેની પોલીસે આપેલી વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વર્ષાબેન મનોજભાઈ સિમેજિયાએ આવી જાહેરાત કરેલ કે, પોતાના પતિ મનોજભાઈ સિમેજીયા સોની છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘરેથી ગુમ થયેલ હોઈ તેઓના કપડાં અને વાળ હાડકાં જેવો સામાન સાસણ નજીક જંગલમાંથી મળી આવ્યા હોવાની જાણ કરવામાં આવેલ હતી. પોતાને પોતાના પતિના કપડાં અને ચીજવસ્તુ જંગલમાં હોવાની જાણ પોતાના ધર્મના ભાઈ હિંમતભાઈ મહેતા કે જેઓ ધારીના છે અને ફોરેસ્ટમાં નોકરી કરે છે તેણે કરી હોવાની બાબત પણ મેંદરડા પોલીસને જણાવેલ હતી. મેંદરડા પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા જંગલમાં તપાસ કરતાં, કપડાં, પાકીટ ચંપ્પલ, માથાના વાળ, હાડકાં વિગેરે ચીજ વસ્તુઓ જોવા મળતા, ખરાઈ કરી, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા મહિલા વર્ષાબેન દ્વારા કરવામાં આવેલ જાહેરાત પહેલેથી જ શંકાસ્પદ હોઈ, આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ ડીવાય એસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.આઇ. આર.સી. કાનામીયા, પીએસઆઇ આર.કે.ગોહિલ, મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઈ તથા સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમો બનાવી, જાહેરાત કરનાર વર્ષાબેન મનોજભાઈ સીમેજીયા સોનીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, વર્ષાબેન સોની ભાંગી પડ્‌યાં હતા અને પોતાના પતિને મોતને ઘાટ ઉતારવામાં પોતાના ધર્મના ભાઈ જણાવેલા એવા હિંમતભાઈ મહેતા દ્વારા મદદ કરવામાં આવેલ હોવાની તથા પોતે પણ આ વાત જાણતા હોવાની કબૂલાત કરવામાં આવતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી આ બાબતે મરણજનાર મનોજભાઈ સિમેજિયાના પુત્ર રજનીકાંત મનોજભાઈ સીમેજીયા સોની (ઉ.વ. ૨૪ રહે. બાલાજી પાર્ક, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ) દ્વારા આરોપીઓ પોતાની માતા વર્ષાબેન મનોજભાઈ સિમેજીયા તથા હિંમતભાઈ મહેતા (રહે. ધારી) વિરૂધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવતા, ફરિયાદ દાખલ કરી, આગળની તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર.સી. કાનામીયા, પીએસઆઇ આર.કે.ગોહિલ, મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઈ તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ, હાજીભાઈ, વિજયભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સાહિલ શમા, યશપાલસિંહ, નિલેશભાઈ, કિરણભાઈ, ગોવિંદભાઇ, દિનેશભાઇ, માનસિંગભાઈ, માનસિંગ ભલાગરિયાની જુદી જુદી ટીમો દ્વારા વર્ષાબેન મનોજભાઈ સોનીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને જુગાર રમાવાની ટેવ હોય, પોતે જુગાર રમવા અમરેલી જતી હોઈ, પોતાને ધારીના દેવડા ગામે રહેતા અને ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા, હિંમતભાઈ મહેતા રાજગોર બ્રાહ્મણ સાથે ઓળખાણ થયેલ અને આંખ મળી જતાં, પ્રેમ સંબંધ અને આડા સંબંધ બંધાયેલા હતા. ત્યારબાદ અવાર નવાર હિંમતભાઈ બ્રાહ્મણ પોતાને અમરેલી બોલાવતા તેમજ રાજકોટ પણ આવતા અને તેની સાથે શરીર સુખ માણતી હોઈ પોતાનો પતિ રીક્ષા ચલાવતો હતો અને કાયમી સતત દારૂ પી ને આવતો હોઈ, પોતે દુઃખી હોવાની વાત પોતાના પ્રેમી હિંમતભાઈ મહેતાને કરેલી હતી. પોતાના પતિના દુઃખ ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે હિંમતભાઈ મહેતાને વાત કરતાં, હિંમતભાઈ સીમેજીયાને પણ મનોજભાઈ સીમેજીયા સોનીને ઠેકાણે પાડી, તેની પત્નીને પોતાના ઘરમાં બેસાડવા જણાવી વર્ષાબેનના પતિને ઘરેથી સાથે લઈ જવાનું જણાવી, પ્રથમ ચોટીલા વિસ્તારના ડુંગર અથવા જંગલમાં મારી નાખવાની યોજના બનાવેલ હતી. ચોટીલા ખાતે મનોજભાઈ સીમેજીયા સોનીના આઇડી પ્રૂફ ઉપર ધર્મશાળામાં ઉતરેલ પરંતુ પૂનમનો તહેવાર હોઈ, લોકો મોટી સંખ્યામાં હોઈ, મોકો નહિ મળતા, ચોટીલાથી નીકળી જૂનાગઢ આવી ગયેલ હતા. જૂનાગઢમાં પણ કોશિષ કરવામાં આવેલ પરંતુ પછી મનોજભાઈ સોનીને લઈને ધારી ખાતે જતા રહેલ હતા. આ બાબતે આરોપી હિંમતભાઈ મહેતાએ આરોપી વર્ષાબેનને જાણ કરેલ કે, મોકો મળેલ નથી પણ મોકો મળશે એટલે હું કામ પાર પાડી દઈશ. ત્યારબાદ બીજા દિવસે આરોપી હિંમતભાઈ મહેતા મરણ જનાર મનોજભાઈ સોનીને લઈને સાસણ વિસ્તારમાં કઠાળા નેસ જવાના રસ્તે દારૂ પાઈને લાવેલ અને પથ્થરમાં માથું ભટકાડી, મોત નિપજાવેલ અને તેની જાણ વર્ષાબેનને પણ કરેલ કે, કામ પતી ગયું છે. આ વાતની જાણ થતાં, વર્ષાબેન સોની ભાવનગર પોતાના મામાની તબિયત ખરાબ હોવાથી ખબર કાઢવા ગયેલા ત્યાંથી પોતાના પતિને શોધતા હોવાનો ડોળ અને દેખાવ કરી, પોતાના સગા સંબંધીઓ સાથે આરોપી હિંમતભાઈને લઈને મેંદરડા વિસ્તારમાં જ્યાં લાશ પડી હતી ત્યાં આરોપી હિંમતભાઈ જ લઈને આવેલ હતા. પોલીસની પૂછપરછમાં તમામ વિગતો ખુલી જતા, તપાસમાં રહેલ પોલીસ ટીમો પૈકી પીએસઆઇ એ.બી.દેસાઈ, પો.કો. નિલેશભાઈ, કિરણભાઈ, ગોવિંદભાઇ, દિનેશભાઇ, માનસિંગભાઈ, માનસિંગ ભલાગરિયા, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક ધારી તાલુકાનાં દેવડા ગામે પહોંચી, આરોપી હિંમતભાઈ મહેતાને રાઉન્ડ અપ કરી, મેંદરડા લાવી સઘન પૂછપરછ કરતાં, પોતે અને મરણ જનાર મનોજભાઈ સિમેજિયા સોનીના પત્ની વર્ષાબેન સોનીના કહેવાથી બંનેએ મળી, આ ગુન્હો આચરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. મેંદરડા પોલીસ દ્વારા આરોપીઓ વર્ષાબેન મનોજભાઈ સિમેજિયા જાતે સોની (ઉ.વ. ૪૪ રહે. બાલાજી પાર્ક શેરી ન. ૧, કોઠારીયા રોડ, રાજકોટ) તથા હિંમતભાઈ નારણભાઇ મહેતા (જાતે રાજગોર ઉવ. ૬૩ રહે. દેવડા ગામ તા. ધારી જી. અમરેલી)ની ધરપકડ કરવામાં આવેલ છે. આમ, મેંદરડા ખાતે બનેલ ખૂનના બનાવમાં મરણ જનાર મનોજભાઈ સોનીની પત્ની વર્ષાબેન સોની અને પ્રેમી હિંમતભાઈ મહેતા રાજગોર દ્વારા આડખીલી રૂપ પતિને મોતને ઘાટ ઉતારી દીધાની વિગતો તપાસ દરમ્યાન જાણવા મળતા, બને આરોપીઓ ની ધરપકડ કરી અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે અદાલતમાં રજૂ કરવામાં આવનાર છે. દરમ્યાન આ બનાવની વધુ તપાસ મેંદરડા પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!