Wednesday, December 1

ગીરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરે સાવચેતીનાં પગલા લેવાયા

0

ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસની મહામારીનો ગંભીર ખતરો તોળાઈ રહયો છે ત્યારે ભારત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ તકેદારીનાં અનેક પગલા લેવામાં આવી રહયા છે. ગઈકાલે જ સમગ્ર રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ આગામી રવિવાર તા. રરનાં રોજ જનતા કર્ફયુની જાહેરાત કરી છે. જયારે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના વાયરસ સામે તકેદારી રાખવા માટેનાં સૂચનો અને જાહેરનામાઓ જારી કરવામાં આવેલ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ લોકોની ફરજ છે કે, સાવચેતીનું પૂર્ણપણે પાલન કરવું જાઈએ અને તો જ આ મહામારીને ભગાડી શકાશે. ત્યારે ગરવા ગિરનાર ખાતે બિરાજમાન જગત જનની માં અંબાજી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે તેમજ મહામારી એવા કોરોના વાયરસનાં આ સંકટમાંથી ભારત સહિત વિશ્વને ઉગારી લે તેવી પ્રાર્થના અંબાજી માતાજી મંદિરનાં મહંત શ્રી તનસુખગીરી બાપુએ કરી છે. આ ઉપરાંત સરકારનાં માર્ગદર્શન અને તકેદારીનાં પગલાને પણ આવકારેલ છે ત્યારે મહંતશ્રી તનસુખગીરી બાપુએ પણ હાલનાં તબકકે માં અંબાજી મંદિરમાં સવાર – સાંજ માતાજીનાં પુજા – અર્ચન અને પ્રાર્થનાનાં કાર્યક્રમ સિવાય અન્ય કાર્યક્રમ હાલ તુરંત બંધ રાખેલ છે પરંતુ તેમ છતાં કોઈ યાત્રાળુઓ દર્શનાર્થે ગિરનાર ખાતે અંબાજી માતાજીનાં દર્શને આવી ચડયા હોય તે તેમના માટે સાવચેતીનાં પગલા માટે વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાજીનાં મંદિરનાં મોટા પીરબાવા તનસુખગીરી બાપુએ મંદિરની આરતીમાં લોકોની ભીડ એકઠી થવા દેવાશે નહી આવે, તેમજ કોઈ યાત્રાળુઓ આવી ચડયા હોય તો તેમને પાંચ-પાંચની સંખ્યામાં દર્શન કરવા દેવામાં આવશે, આ ઉપરાંત ભાવિકો માટે ખાસ સેનિટાઈઝરથી હાથ સાફ કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોના વાયરસનો વધુ ફેલાવો ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મહંતશ્રી તનસુખગીરી બાપુએ અંતમાં જગત જનની માં અંબાજીનાં ચરણોમાં સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરી છે.

error: Content is protected !!