સોમનાથ મંદિરમાં તા.૩૧ માર્ચ સુધી ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ

0

કોરોના વાયરસનાં વધી રહેલા ખતરાને ધ્યાને લઇ સતર્કતાના ભાગરૂપે લોકોનો સમુહ એકત્ર ન થાય તે માટે ગઈકાલ તા.૧૯ મી સાંજથી તા.૩૧ માર્ચ સુધી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતો નિર્ણય કરાયો હોવાનું મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે. આ સમયગાળા દરમ્યાન ભાવિકો સોમનાથ મંદિરની વેબસાઇટ અને સોશ્યલ મીડીયાના ઓફીશ્યલ પેઇજ ઉપરથી સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન-આરતી ઘરબેઠા કરવા ટ્રસ્ટે અપીલ કરી છે.દેશમાં કોરોના વાયરસ પ્રસરવાનો ખતરો મંડરાય રહયો હોવાથી કેન્દ્ર અને રાજય સરકાર લોકોને બચાવવા સતર્કતાના ભાગરૂપે અનેક પગલા ભરી રહી છે. જેમાં લોકોની ભીડ ન થાય તે માટે ધર્મસ્થાનોને બંધ કરવા અપીલ કરી છે. જે અનુસંધાને સોમનાથ મંદિરની ૧૯૫૧માં થયેલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ૭૦ વર્ષના સમયગાળામાં પ્રથમ ભાવિકો માટે મંદિરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોના હિતાર્થે સરકારની ગાઇડલાઇનને ધ્યાને લઇ ગઈકાલ તા.૧૯ મીએ સાંજે ૭ વાગ્યે સાંધ્ય આરતી થયા બાદ તા.૩૧ માર્ચ સુધી સોમનાથ મંદિરમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સોમનાથ મંદિરની સમીપે આવેલા એવા જુના સોમનાથ મંદિર તરીખે ઓળખાતા અહલ્યાબાઇ મંદિરને પણ લાગુ રહેશે. આ સમયગાળા દરમ્યાન બંન્ને મંદિરોમાં મહાપૂજન, આરતી તેના રૂટીન નિયત સમયે પૂજારીઓ દ્વારા થશે. સુવર્ણ કળશ મહોત્સવનો કાર્યક્રમ મુલત્વી રખાયો છે. આ સમયગાળા દરમ્યાન મંદિરમાં ફકત પૂજારીઓ જ પૂજા-અર્ચન માટે અને સુરક્ષાકર્મીઓ સુરક્ષા અર્થે રહેશે. સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા દેશ-વિદેશના ભાવિકો ઘરબેઠા સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી સોમનાથ મંદિરના ઓફીશ્યલ પેજ ઉપરથી લાઇવ દર્શન-આરતી કરી શકશે. આ ઉપરાંત સોમનાથ યાત્રા એપ્લીકેશન ઉપરથી પણ કરી શકશે. જો કે, છેલ્લા બે દિવસ દરમ્યાન બે લાખથી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો છે.

error: Content is protected !!