નવી દિલ્હી તા. ૨૫
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી ૧૭,પ૦૦થી વધુનાં મોત નીપજયાં છે જયારે ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં એક જ દિવસમાં ૭૪૩થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૬,૮૨૦થી વધુ થઈ ગયો છે. કોરોના વાઈરસના મૂળ એવા ચીન કરતાં પણ ઈટાલીમાં મૃત્યુઆંક લગભગ બમણો થઈ ગયો છે.
સ્પેનમાં પણ એક જ દિવસમાં અંદાજે ૫૦૦ જેટલાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૦૦ થઈ ગયો છે. બીજીબાજુ અમેરિકામાં પણ કોરોનાનો ભરડો વધાર્યો છે, જયાં એક જ દિવસમાં ૫૮૦૦થી વધુ નવા કેસો સાથે લગભગ ૫૦,૦૦૦ કેસ નોંધાયા છે. અહીં કુલ મૃત્યુઆંક ૬૨૨ થયો છે.
ચીનમાં સૌપ્રથમ વખત કોરોના દેખાયા પછી કોરોના વાયરસ લગભગ ત્રણથી ચાર મહિનાના સમયમાં વિશ્વના ૧૭૫થી વધુ દેશોમાં પ્રસરી ગયો છે. આ સમયમાં વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૭,૫૦૭ થઈ ગયો છે જયારે ૪,૦૨,૧૫૯ કેસ નોંધાયા છે.
વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાનાં ૨૩,૦૦૦ નવા કેસ નોંધાયા છે જયારે ૧,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ચીનની બહાર કોરોનાની સૌથી ગંભીર અસર યુરોપમાં ઈટાલી, સ્પેન, જર્મની જયારે મધ્ય-પૂર્વમાં ઈરાન પર જોવા મળી છે. ઈટાલીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત એક જ દિવસમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત નીપજી રહ્યાં છે.