પિતરાઈએ જ હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનું બહાર આવતા ચકચાર
મોરબીના લાલપરમાં રહેતા અને પ્રોવિઝનની દુકાન ધરાવતા ૩૧ વર્ષીય પંકજભાઈ ભરતભાઈ ડઢાણીયાએ અમરેલી જિલ્લાના વડીયાની જાનવી અને ૪ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી રૂપિયા ૫૦ લાખની માંગણી કર્યાની ફરિયાદ યુવકે સોમવારની રાત્રે ભેસાણ પોલીસમાં નોંધાવી હતી. યુવકની ફરિયાદ અનુસાર ગઈ તારીખ ૧લી એપ્રિલના રોજ બપોરે ઘરે હતો ત્યારે વડીયાની જાનવી નામની યુવતીએ મોબાઈલ ફોનમાં ટેક્ષ મેસેજ તથા ટેલીફોનીક વાતચીત કરી વીરપુર ખાતે મળવા બોલાવ્યો હતો. ગઈ તારીખ ૫ એપ્રિલના રોજ સવારે યુવાન તેના ફઈનાં દીકરા કિશન શાંતિભાઈ સોખરીયા સાથે જીજે ૩૬ એએલ ૬૩૨૦ નંબરની કારમાં યુવતીને મળવા વિરપુર ખાતે ગયો હતો. ત્યાં તેણી કારમાં બેસી ગઈ હતી અને કાર પરબ થઈ બીલખા તરફ જવા દેવાનું કહી મારે નણંદના ઘરે જવું છે તેમ કહેતા રવાના થયા હતા. ભેસાણ થઈ છોડવડી રોડ ઉપર પહોંચતા જાનવીએ વોશરૂમ જવું છે તેમ કહી કાર રોકાવી હતી. આ દરમ્યાન બે બાઈક ઉપર ૪ શખ્સ આવી ચડ્યા હતા અને યુવતીને એક શખ્સ બાઈક ઉપર બેસાડી ભેસાણ બાજુ જતો રહ્યો હતો. જ્યારે ત્રણ અજાણ્યા શખ્સો કારમા બેસી જઈ પંકજ ડઢાણીયા અને કિશનનુ અપહરણ કરી લઈ જઈ ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ૫૦ લાખની માંગણી કરી હતી અને પૈસા ન આપે તો કિશનને મારી નાખવાની ધમકી આપી હતી . આ અંગે સોમવારની રાત્રે પંકજે ફરિયાદ કરતા એલસીબી સહિતની ટીમે તપાસ કરી યુવતી અને ફરિયાદીના ફઈના પુત્રની અટકાયત કરી હતી. દરમ્યાન ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, હનીટ્રેપની ફરિયાદ થતા ભેસાણ પીઆઇ આર. બી. ગઢવી, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલની ટીમે તપાસ હાથ ધરી મોરબીની પ્રિયા ઉર્ફે પ્રિયંકા હંસરાજ ગીનોયા અને ફરિયાદીનો ફઈનો પુત્ર કિશન સોખરીયાની ટંકારા પાસેથી ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંને પંકજ સાથે મોરબી ખાતે ભેગા થયા હતા. અને ચા પીધા બાદ પંકજે ઓનલાઈન પેમેન્ટ કરતા તેના ખાતામાં રૂપિયા ૧૦ લાખનું બેલેન્સ હોવાનું જાેવા મળ્યું હતું આથી પ્રિયાએ કિશનને પૈસા અંગે પૂછતા પંકજ જમીન વેચી હોય તેના પૈસા આવ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં પ્રિયાએ પંકજ સાથે ફોન ઉપર ચેટ કરી મળવા બોલાવ્યો હતો આ પછી કિશન, યુવતી અને અન્ય ૩ શખ્સે પંકજને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી ધમકી આપી પ્રથમ રૂપિયા ૫૦ લાખની માગણી કરી હતી અને પછી રૂપિયા ૧૦ લાખ આપી દેવાનું પછી કિશનને ગોંધી રાખવાનું નાટક કર્યું હતું પરત ગણતરીની કલાકોમાં જ કાવત્રુ પકડી પાડ્યંુ હતું. આ અંગે પીઆઈ આર.બી. ગઢવીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ સુલતાનપુરનો શૈલેષગીરી ઉર્ફે મહારાજ ગોંસાઈ છે શખ્સે પ્રિયાની જગ્યાએ જાનવીને ગોઠવી દઈ હનીટ્રેપનો પ્લાન કર્યો હતો. શૈલેષગીરી સામે વર્ષ ૨૦૨૪માં હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. યુવાનનાં કેસમાં શૈલેષગીરી, જાનવી અને અન્ય ૩ શખ્સની ધરપકડ માટે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.