જૂનાગઢના ટીંબાવાડી રોડ ઉપર ગઈકાલે એક કારમાં અચાનક આગ લાગી હતી અને ફાયર વિભાગને જાણ થતા તાત્કાલીક બનાવના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જૂનાગઢના બ્રિજેશ કમાણી નામનો કાર ચાલક પોતાની જીજે-૧૮-બીબી-૦૮૬૨ નંબરની નેનો કાર લઇને મધુરમ ગેઇટથી ટીંબાવાડી તરફ આવતો હતો ત્યારે અશોક હોલ પાસે તેની કાર બંધ પડી ગઇ હતી. બે ત્રણ વખત સેલ્ફ મારવા છતાં કાર સ્ટાર્ટ નહોતી થતી. એ દરમ્યાન પાછળ એસટી બસ આવી હતી. તેના ડ્રાઇવરે બ્રિજેશભાઇને જાણ કરી હતી કે, તમારી કારમાં પાછળથી ધૂમાડા નીકળે છે. આથી તેમણે પાછળ જઇને જાેતાં કાર આગ પકડી ચૂકી હતી. આથી તેમણે ફાયર બ્રિગેડને જાણ કરતાં મનપા ફાયર ફાઇટર પહોંચી ગયું હતું અને ૧ જ મિનીટ પાણીનો મારો ચલાવતાં આગ ઓલવાઇ ગઇ હતી. જ્યારે બીજા બનાવમાં શાપુર પાસે નેશનલ હાઇવે પર આવેલા જેટકોના ગોડાઉનમાં પણ આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડનો મળ્યો હતો. આથી ફાયર ફાઇટર સાથે સ્ટાફ ત્યાં ધસી ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અત્રે નોંધનીય છેકે, થોડા મહિના અગાઉ પણ અહીં આગની ઘટના બની હતી.