નવી દિલ્હી તા. રપ
૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં આજે લોકડાઉનનો પ્રથમ દિવસ છે. દેશના ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધીમાં પ૮૭ થઈ ગઈ છે, અને અત્યાર સુધી ૧૧ લોકોના જીવ ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે ૫૪ વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે ૧૦૭ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જ્યારે કેરળ ૧૦૫ કેસ સાથે બીજા નંબરે છે. ગત રાત્રે આગામી ૨૧ દિવસ માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં તેના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે. કોરોનાના સંક્રમણના કારણે ૧૫ દિવસમાં ૧૧ લોકોના મોત થઈ ગયા છે. આજે સવારે મદુરૈમાં ૫૪ વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તામિલાનડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાબાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હતી. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ૬ લોકોના કોરોનાથી પોઝિટિવ મળી આવ્યા છે, જેમાંથી પાંચ લોકો ઈન્દોરના અને એક ઉજ્જૈનનો રહેવાસી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ બનાવવા માટે કહ્યું છે. મહાન એરલાઈન્સનું વિમાન ઈરાનના તેહરાન શહેરથી ૨૭૭ ભારતીયોને લઈને દિલ્હીને પહોંચ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, રાજ્યમાં તમામ જરૂરી સામાનની દુકાનો સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી ખુલી રહેશે. છત્તીસગઢમાં સરકારે તમામ ગરીબ પરિવારે એપ્રિલ અને મે મહિનામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ મફત ચોખા આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ-દિલ્હી બોર્ડર ઉપર પોલીસની બેરકેડિંગ ચાલું છે. પોલીસ માત્ર જરૂરી સામાન વાળી ગાડીઓને જવાની મંજૂરી આપી રહી છે.