સંયમ અને સંકલ્પની ઘડીમાં કોરોનાં સામેની લડતનો સૌ સાથે મળી સામનો કરીએ

0

જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને પ્રેસ મિડીયાનાં માધ્યમથી જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ એક સંદેશો પાઠવ્યો છે અને સંયમ અને સંકલ્પની આ ઘડીમાં કોરોનાં સામેની લડતનો સૌ સાથે મળી સામનો કરીએ તેવી અપીલ કરી છે. એટલું જ નહી હાલ આવશ્યક સેવાઓ ચાલુ જ છે જેથી કોઈએ ગભરાવવાની કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો સ્ટોક કરવાની જરૂર નથી. જરૂર પડયે તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરી જ નાંખવામાં આવશે. ખાસ તો ર૧ દિવસનો આ જંગ આપણે સૌ સાથે મળી ઘરમાં રહીને જ જીતી જીવા અપીલ કરી છે. અને જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતા સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવો વિશ્વાસ પણ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીએ વ્યકત કર્યો છે.
સમગ્ર દેશમાં કોરોનાં વાયરસની મહામારી ઝડપ ભેર ફેલાઈ રહી છે. આ મહામારીમાંથી સમગ્ર દેશવાસીઓને ઉગારી લેવા માટેની પ્રાર્થના અને અપીલનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રર માર્ચનાં દિવસે જનતા કર્ફયુ જાહેર કર્યો હતો. અને પાંચ દિવસ બાદ ફરી પાછુ ગઈકાલે વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રજાગ સંબોધન કરી અને રાત્રીનાં ૮ કલાકે લોકોને એક અપીલ કરી હતી અને રાત્રીનાં ૧ર વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉન કાર્યરત બની જશે તેવો સંદેશો પાઠવ્યો હતો. આવનારા ર૧ દિવસ માટે લોકોને પોતાના ઘરમાં જ રહેવા અને આ મહામારીનો સામનો કરવાની અપીલ કરી છે. બીનજરૂરી કોઈએ બહાર ન નીકળવા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું. ગઈકાલે વડાપ્રધાનશ્રીની સમગ્ર દેશવાસીઓને કરવામાં આવેલી અપીલની સાથો સાથ રાત્રીનાં ૧ર વાગ્યાથી સમગ્ર લોકડાઉન પ્રવર્તી રહયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ લોકોને લોકડાઉન સંપૂર્ણ પાડવાની પ્રસાશન તંત્રએ અપીલ કરી છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ર૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે આપણે પણ સૌ સાથે મળી તેનું પુરેપુરૂ પાલન કરીએ. બીનજરૂરી લોકોએ બહાર ન નીકળવું, આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે કરીયાણું, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, મેડીકલ સ્ટોર, આરોગ્ય સેવાઓ, શાકભાજી સહીતની જે સેવાઓ ગણાવવામાં આવી છે તે કાર્યરત રહેશે. જેથી લોકોએ બીનજરૂરી ખાદ્ય પદાર્થો કે પુરવઠો જમા ન કરવો. જરૂર જણાય તો પ્રશાસન તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી નાંખવામાં આવશે. આ ઉપરાંત જે મિત્રો બહારથી આવ્યા છે તેઓને તંત્ર દ્વારા સ્પષ્ટપણે સુચનાઓ જારી કરવામાં આવી છે. અને તેઓને હોમકોરોન્ટાઈન રહેવાની સુચના આપી છે. તે તેઓ ચુસ્તપણે પાલન કરે. તેમજ આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા તેઓનું સમયાંતરે રોજેરોજ અરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. વિશેષમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જરૂર પડતી આવશ્યક વસ્તુઓની ખરીદી માટે એક જ વ્યકિત બને ત્યાં સુધી બહાર નીકળે. ચાર વ્યકિતઓ ભેગા ન થાય અને કેન્દ્ર સરકારની સુચનાઓનું પુરેપુરૂ પાલન કરે અને ઘરમાં રહીને જ આપણે કોરોનાની મહામારીનો સામનો કરી અને જંગ જીતી જવાનો છે. જયારે નગરજનો અને જીલ્લાની જનતા સંપૂર્ણ સહયોગ આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેર અને જીલ્લાની પરિસ્થિતિ ઉપર જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી મહેતા, તેમજ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ અને જૂનાગઢ સિવીલ હોસ્પીટલનો સ્ટાફ પણ સતત સેવા આપી રહેલ છે.
આ ઉપરાંત રેન્જ આઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા સૌરભ સીંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ સયંમપૂર્વક કામગીરી કરી રહેલ છે. આ સાથે જૂનાગઢ જીલ્લા માહીતી અધિકારી અર્જુન પરમાર અને તેમની ટીમ કાર્યરત છે. તેમજ પ્રેસ અને મિડીયા અને અખબારનવેશો દ્વારા પણ પ્રજાકીય સુચના લોકોને મળતી રહે તે માટેનાં પ્રયાસો કરવામાં આવી રહયા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

error: Content is protected !!