જૂનાગઢ તા. રપ
ચૈત્ર સુદ એકમનાં આજના પવિત્ર દિવસે શકિતની આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે. આઈશ્રી ખોડીયાર માતાજી, રવિ રાંદલ માતાજી, જગત જનની માં અંબાજી, વાઘેશ્વરી માતાજી, ગાયત્રી માતાજી, મહાકાળી માતાજી, ચામુંડા માતાજી, સરસ્વતી માતાજી, મહાલક્ષ્મી માતાજી સહીતનાં સર્વે માતાજીનાં પુજન-અર્ચન સેવા કાર્ય તેમજ શકિતની આરાધના એવા અનુષ્ઠાન સહીતનાં કાર્યક્રમો માંઈ ભકતો દ્વારા અને સંતો દ્વારા થઈ રહયા છે. જા કે હાલ કોરોનાની મહામારીનાં ભય સામે દરેક ધર્મસ્થાનો અને ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે બંધ છે. પરંતુ રોજેરોજ સવાર સાંજ થતાં સેવા પૂજા અને નવરાત્રીનાં દિવસોમાં અનુષ્ઠાન સાથે શકિતની આરાધના થઈ રહી છે. ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાજીનાં મંદિરમાં પણ મહંતશ્રી મોટાપીર બાવા તનસુખગીરી બાપુ તથા નાના પીરબાવા ગણપતગીરી બાપુ દ્વારા અનુષ્ઠાન પૂજન થઈ રહયા છે. જગત જનની માં જગદંબા સર્વે લોકોનાં દુઃખ દૂર કરે તેવી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર આજના દિવસે માં જગદંબાનાં વિવિધ સ્વરૂપોને પ્રાર્થના કરે છે.