રોમ, તા. ર૬ – ઇટલીમાં કોરોના વાયરસથી રોજ સેંકડો લોકોના થઇ રહેલા મૃત્યુથી સરકારના હોંશ ઉડી ગયા છે. તેમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે, ચીન પછી ઇટાલી જ એવો દેશ છે જયાં રોજ સૌથી વધારે મોત થઇ રહ્યા છે. મંગળવારે એક જ દિવસમાં ઈટાલીમાં ૭ર૩ મોત થયા હતા. બીબીસીના રિપોર્ટ અનુસાર આની જાણ થયા પછી વડાપ્રધાન કોંટેએ તેને બહુ જ ગંભીરતાથી લીધી છે. આ દરમ્યાન એવા સમાચારો પણ આવી રહ્યા હતાં કે મોટી સંખ્યામાં લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા અને કોઇ પણ કારણ વગર તેઓ પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યા છે. તેના લીધે કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મોડી રાત્રે દેશના નામે અપાયેલા સંદેશમાં વડાપ્રધાન કોંટેએ જાહેરાત કરી છે કે, જો કોઇ વ્યકિત યોગ્ય કારણ વગર ઘરની બહાર નિકળશે તો તેને ૩૦૦૦ યુરો એટલે કે લગભગ ર લાખ ૪૯ હજાર રૂપિયાનો દંડ થશે. અત્યાર સુધી આ દંડ ર૦૬ યુરો એટલે કે ૧૭૦૯૮ રૂપિયા હતો.