WHO એ સ્પષ્ટતા કરી -કોરોના વાયરસ હવાથી નહી માનવ સંપર્કથી ફેલાય છે

0

નવી દિલ્હી તા.ર૬
કોરોના વાયરસના હાહાકાર સામે વિશ્વ લાચાર બન્યું છે. તબીબી વિજ્ઞાન અને તબીબી તજજ્ઞો હજી ચોક્કસ રસી બનાવી શકયા નથી ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અતિ મહત્વની માહિતી આપી છે કે કોરોના વાયરસ કયાંથી ઉદ્દભવ્યો અને કયારે ખતમ થશે તે અત્યારે કહી શકાય તેમ નથી પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ વાયરસ હવાથી નહીં પરંતુ માનવ સંપર્કથી ફેલાય છે. હિન્દી ફિલ્મોની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ કોરોના વાયરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના ડોકટર સાથે વાત કરી માહિતી મેળવી હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરીને સવાલના જવાબ મેળવ્યા હતા.
પ્રિયંકા ચોપડાએ સવાલ કર્યે હતો કે શું કોરોના વાઈરસ હવાની સાથે ફેલાય છે? આ સવાલના જવાબમાં ડોકટરે કહ્યું હતું કે કોરોના વાઈરસ હવાની સાથે ફેલાતો નથી પણ જો કોઈ છીંક ખાય કે ઉધરસ ખાય ત્યારે તેના નાકમાંથી જે છાંટા ઉડે છે તેના કારણે વાયરસ ફેલાય છે. આ વાયરસ કોઇપણ ચીજવસ્તુ ખાવાથી નહીં પરંતુ જે લોકો કોરોના પોઝિટીવ હોય તેના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
કોઇ વ્યકિતને ફકત શરદી થવી અને નાકનું વહેવું એજ વાઈરસનું લક્ષણ નથી. આ વાઈરસના પોઝિટીવ કેસમાં સખત તાવ અને ઉધરસ જોવા મળે છે. જે લોકોને આ વાઈરસ થાય છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વની સરકારોને કોરોના વાયરસ સામેની લડતમાં સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યે છે.
ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ અધનોને જણાવ્યું છે કે, કોરોના વાયરસ ચીનની બહાર વિક્રમ ગતિથી ફેલાઈ રહ્યો હોવાથી તેની સામે સઘન કાર્યવાહીની જર છે. તેમણે જણાવ્યું કે, કેટલાક દેશો કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરી પગલાં લેતા નથી. આ સંસ્થાએ સ્વિકાર્યુ હતું કે લોકડાઉન જ નિયંત્રણ માટેનો ઉપાય છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિદેશક બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે, બદલાયેલા વાતાવરણથી કોરોના વાયરસના ફેલાવા ઉપર કોઈ અસર થતી નથી. નીચા તાપમાને આ વાયરસ ફેલાતો હોવાની વાતને નકારતા ભાર્ગવે જણાવ્યું હતું કે,અત્યાર સુધી આવું કઈં જણાયું નથી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ હવાથી નહીં પરંતુ માનવ સંપર્કથી ફેલાય છે. તેમણે બદલાતા વાતાવરણમાં કફ અને શરદી સામે પોતાનું ધ્યાન રાખવાની લોકોને સલાહ આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવ્યું છે કે, કોવિડ-૧૯ વાયરસ કયારે ઉદભવ્યો અને તેની અસર કયારે પુરી થશે તે અંગે કંઇપણ કહેવું વહેલું ગણાશે. આ સંસ્થાના આરોગ્યને લગતા તાકીદના કાર્યક્રમોના વડા માઈકલ રાયન એ જણાવ્યું છે કે, આ વાયરસની અસર કયારે પુર્ણ થશે તે અંગે આગાહી કરી શકાય નહીં

error: Content is protected !!