અમેરીકામાં કોરોનાનું તાંડવ – એક જ દિવસમાં નવા ૧૭ હજાર કેસ – મૃત્યુઆંક ૧૩૦૦

0

વિશ્વનાં ૧૯પ દેશોમાં કોરોનાએ મચાવેલો કાળો કેર – વિશ્વભરમાં પ,૩ર,ર૦૦ કોરોના પોઝીટીવ – મૃત્યુઆંક ર૪૦૦૦ને વટાવી ગયો

(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા.૨૭
વિશ્વભરને હચમચાવી રહેલા કોરોના વાઈરસે અમેરિકામાં તાંડવ સર્જયુ હોય તેમ એક જ દિવસમાં ૧૭૦૦૦ નવા કેસ નોંધાયા છે અને વધુ ૨૬૯ના મોત થયા છે. અમેરિકામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૩૦૦ થયો છે. કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં અમેરિકા ચીનથી પણ આગળ નીકળી ગયુ છે. દુનિયાભરમાં કોરોનાનો કોહરામ છે અને વિશ્વની સૌથી મોટી મહાસતાના પાયા હચમચાવી નાખ્યા છે. અમેરિકાની ખાસ કરીને આરોગ્ય તાકાતની પોલ પણ ખુલવા લાગી છે. અમેરિકામાં કોરોનાની કુલ સંખ્યા ૮૫૫૯૪ એ પહોંચી ગઈ છે અને આંકડાની દ્દષ્ટિએ ચીનને વટાવી ગઈ છે. ચીનમાં કોરોના કેસની સંખ્યા ૮૧૩૪૦ છે.
અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના પોઝીટીવ કેસ ૧૭૦૦૦ વધ્યા છે. ગઈકાલે પોઝીટીવ કેસ ૬૮૩૬૩ હતા. આ જ રીતે કોરોનાનો મૃત્યુઆંક ગઈકાલે ૧૦૩૧ હતો તે ૨૬૯ વધીને ૧૩૦૦ થયો છે. માત્ર ન્યુયોર્કમાં જ ૧૦૦થી વધુ મોત થયા છે. ન્યુયોર્ક કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું હોવાની ચેતવણી છતાં ટ્રમ્પ તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા ન હોવાથી ન્યુયોર્કના ગવર્નર નારાજ છે.
અમેરીકામાં આરોગ્યની હાલત ઘણી ખરાબ છે. કોરોના દર્દીઓને રાખવા માટે પર્યાપ્ત બેડ નથી કે સારવાર કરવા પર્યાપ્ત તબીબી સ્ટાફ નથી. નિવૃત મેડીકલ સ્ટાફને તેડાવવામાં આવ્યો છે. તેઓ આરોગ્ય સંસાધનો માંગે છે. ટ્રમ્પ તંત્ર પાસે ૩૦૦૦૦ વેન્ટીલેટર્સ માંગવામાં આવ્યા હતા તેની સામે માત્ર ૪૦૦ મોકલ્યા છે. ૪૦૦ વેન્ટીલેટર્સથી કાંઈ ન થાય. આ વિધાન પછી ટ્રમ્પ તંત્રે વધુ ૪૦૦૦ વેન્ટીલેટર્સ મોકલ્યા હતા છતાં તેનાથી પુરુ થાય તેમ નથી.
એવી ચેતવણી આપવામાં આવી છે કે ન્યુયોર્ક જેવી હાલત વોશિંગ્ટન તથા ઈલિનોઈમાં પણ ઉભી થઈ શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પણ ટીકાઓનો વરસાદ શરૂ થયો છે.
કોરોના વાઈરસને વિશ્વના ૧૯૫ દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૫ લાખ ૩૨ હજાર ૨૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ૨૪ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જયારે ૧ લાખ ૨૪ હજાર ૩૦૦ લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ચોંકાવનારી વાત એ છે કે ચીનથી શરૂ થયેલા આ વાઈરસથી વધુ ખૂવારી બીજા દેશોમાં જ જોવા મળી રહી છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું છે.
અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ ૮૫૫૯૪ નોંધાયા છે, જ્યારે ચીનમાં ૮૧૩૪૦ નોંધાયા છે. ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં ૮૨૧૫ લોકોના મોત થયા છે, સ્પેનમાં ૪૩૬૫ લોકોના અને ચીનમાં ૩૨૯૨ લોકોના મોત થયા છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસમાં ૫૪ કેસ વિદેશથી લવાયેલા અને એક કેસ લોકલ ટ્રાન્સમિશનનો નોંધાયો છે. પાંચ લોકોના મોત પણ થયા છે. વુહાનમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં પોઝિટિવ કેસ ૮૧૩૪૦ નોંધાયા છે. જેમાં ૩૨૯૨ લોકો મોતને ભેટ્યા છે. ચીનમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર ૩૪૬૦ છે, બાકીના તમામ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.