કેશોદનાં ગાદોઈ ટોલનાકા નજીક આવેલ હોટલનાં માલીકની દરીયાદીલી

0

કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા તકેદારીના ભાગરૂપે સરકારે દેશમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ સ્થિતિમાં રોજબરોજનું કમાઈને ખાતા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. તો પરપ્રાંતીય મજુરો પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. ત્યારે માંગરોળ અને કેશોદ નજીક હોટલ ધરાવતા હોટલ માલિક વેપારી અભિગમ ત્યજી બંને હોટલની લાખો રૂપિયાની ખાધસામગ્રી આવા જરૂરિયાતમંદો માટે ફાળવી દીધી છે. સામાન્ય રીતે મોટી હોટલોમાં રસોઈમાં દરરોજ વપરાતી ચીજવસ્તુઓનો હોટલધારકો મોટો સ્ટોક કરી લેતા હોય છે. જેથી વર્ષ દરમ્યાન થતો ભાવવધારો તેઓને ખાસ કાંઈ અસર કરતો નથી. ત્યારે હાલમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે શહેરના પોરબંદર રોડ તથા કેશોદના ગોદોઈ ટોલનાકા નજીક આવેલી જાણીતી હોટલના માલિક અને મામા સરકાર તરીકે ઓળખાતા રાજુભા ચુડાસમાએ દરીયાદિલી વાપરી બંને હોટલમાં એક વર્ષ વપરાય તેટલો ૪૦૦ કટ્ટા ચોખા, ૧૨૫ કટ્ટા તુવેરદાળ, ૫૦થી વધુ કટ્ટા વેસણ, ૧૫ ટન ડુંગળી-બટેટા, ૫૬૦ ડબ્બા તેલ, ૧૦૬ કટ્ટા મેંદો, તંદુર, ૬ ટન ઘઉં, બાજરો સહિતની ચીજવસ્તુઓમાંથી ભોજન બનાવી તથા કાચી સામગ્રીની કીટો બનાવી જરૂરિયાતમંદો સુધી પહોંચતી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત છેલ્લા છ દિવસથી બંને તાલુકાના મળી સરેરાશ ૨૦ જેટલા ગામડાઓમાં સામાન્ય લોકો સુધી બે ટાઈમ ભોજન અને સામગ્રીની કીટોનું વિતરણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સાડી, બાળકો માટે કપડાં, ફસ્ટ એઈડ કીટ તેમજ ૧ હજારથી વધુ જોડી ચપ્પલ, બુટ પણ મંગાવી લેવાયા છે. લોકડાઉન એક મહીનો રહે કે એક વર્ષ, આ પ્રવૃત્તિ ત્યાં સુધી ચાલુ રહેશે તેમ જણાવી રાજુભાએ ઉમેર્યુ હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભોજન વિતરણ સમયે લોકો અન્નનો બગાડ ન થાય તેની તકેદારી રાખતા થયા છે. જે સારી બાબત છે. એંઠવાડમાં જતો ખોરાક અન્ય કેટલાય લોકોની જઠરાગ્નિ ઠારી શકે. કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી. ૧૫ વર્ષ પહેલાં કશું જ ન હતું. આજે જે છે એ કુદરતનું આપેલું છે અને લોકો માટે સાચી દિશામાં વપરાય તે જરૂરી છે.આ પહેલા પણ વાવાઝોડા સમયે પણ મામા સરકાર તરફથી સેવાકીય પ્રવૃતિ કરાયેલી.

error: Content is protected !!