બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મીઓને ચા પીવડાવતાં પહેલા મંજુરી લેવાની રહેશે અન્યથા લોકડાઉનનાં ભંગની કાર્યવાહી કરાશે

0

હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનની પરિસ્થિતિમાં જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્તમાં લાગેલી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવેલ કે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના સ્ટાફને પોઇન્ટ ઉપર ચા પાણી પાવા આવનાર લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી છે. પોલીસ સ્ટાફને ચા પાવા આવતા લોકો પૈકી ઘણા સેવાવૃત્તિના બદલે ચા પાવાના બહાને રખડવાની વૃત્તિ કરતા જોવા મળે છે. આવા લોકો ચા પાવાના બહાને ફરવા નીકળી જાય છે. ઘણીવાર આવા ચા પાણી પાવાવાળા ખુલ્લા હાથે ચા આપતા હોય છે અને ચા પાણી પાવાવાળા લોકો સ્વછતા પણ રાખતા નહી હોવાનું ધ્યાને આવેલ છે. જેનાથી બંદોબસ્તમાં રહેલ પોલીસનું સ્વાસ્થ્ય બગડવાની શક્યતા રહેલી છે. જેથી હવેથી ચા પાણી પાવા નીકળતા લોકો ઉપર પણ અંકુશ જરૂરી છે. હવેથી વગર મંજૂરીએ ચા પાણી નાસ્તો કરાવતા લોકો ઉપર લોકડાઉનના ભંગ બદલ કાર્યવાહી કરવા વિચારણા કરવામાં આવેલ છે. જેથી હવેથી આવા ચા પાણી નાસ્તો કરાવતા લોકોએ પણ મંજૂરી વગર બહાર નહીં નીકળવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે. આવા કપરા સંજોગોમાં પોલીસ સ્ટાફનું સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી બાબત છે એમાં કોઈપણ ભોગે બાંધછોડ કરી શકાય નહિ. બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફને હવેથી પોઇન્ટ ઉપર કોઈ બીજા પાસેથી ચા પાણી નહીં પીવા પણ સૂચના આપવામાં આવેલ છે. પોલીસ સ્ટાફ પોતાના ઘરેથી થરમોસમાં ચા લાવીને પી શકે છે. બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફ દ્વારા પોતાની તબિયત બાબતે ગંભીર બની તકેદારી રાખવા જણાવવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્ય અને તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવેલ છે.

error: Content is protected !!