Monday, January 18

ગુજરાતમાં કર્મકાંડ અને પૂજાવિધિ કરાવતા ભૂદેવો માટે ખાસ આર્થિક કે અન્ય કોઈ પેકેજ જાહેર કરવા માંગ

ગુજરાતમાં વસતા કર્મકાંડી ભૂદેવો તથા મંદિર અને હવેલીઓમાં સેવા-પૂજા કરી રહેલા ભૂદેવો માટે સરકાર દ્વારા કોઈ ખાસ રાહત પેકેજ આપવામાં આવે તેવી જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા માંગ ઉઠવા પામી છે.
સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં વસતા ભૂદેવોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. કારણ કે કર્મકાંડ કરતા ભૂદેવો માટે ચૈત્ર માસ ખૂબ અગત્યનો હોય છે અને આ માસ દરમ્યાન અનેક શ્રદ્ધાળુ લોકો દ્વારા પિતૃકાર્ય કરાવવામાં આવતા હોય છે પરંતુ ચૈત્ર મહિના દરમ્યાન જ લોકડાઉન આવી જતા આ વર્ષે ભૂદેવો એક પણ કર્મકાંડ કરી શક્યા નથી. બીજી બાજુ ગુજરાતના અનેક મંદિરો તથા હવેલીઓમાં ભૂદેવો દેવી-દેવતાઓની સેવા-પૂજાઓ કરે છે અને ભાવિક ભક્તો દ્વારા ભૂદેવોને દાન દક્ષિણા આપી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે લોકડાઉનના કારણે મંદિરો તથા હવેલીઓ પણ બંધ થઇ જતા મંદિરોમાં સેવા પૂજા કરતા ભુદેવોની આર્થિક હાલત પણ અત્યારે ખૂબ જ વિકટ બની છે. આ અંગે જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સુપ્રીમો જયદેવ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ ઉપાધ્યાય, મહામંત્રી મનીષભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ભરાડે જૂનાગઢના ધારાસભ્ય તથા કલેકટર મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા વિધાનસભાના અધ્યક્ષને એક પત્ર પાઠવી ગુજરાતમાં કર્મકાંડ અને પૂજાવિધિ કરાવતા ભૂદેવો માટે ખાસ આર્થિક કે અન્ય કોઈ પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરાયેલ માંગને યોગ્ય ગણી તેમના દ્વારા સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

error: Content is protected !!