વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર્‌ અને દક્ષિણ ગુજરાતના ૭ હજારથી વધુ ખલાસીઓ ફસાયા

0

દેશમાં ચાલી રહેલ ૨૧ દિવસના લોકડાઉનના પગલે ફીશીંગના હબ ગણાતા એવા વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત હજારથી વધુ પરપ્રાંતીય ખલાસીઓ ફસાઈ ગયા છે. ચારેક દિવસ પૂર્વે આ ખલાસીઓએ વતનમાં પરત જાવા માટે ઉહાપોહ કરેલ હતો. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા નાયબ કલેક્ટર, ફીશરીઝ સહિતના અધિકારીઓ બંદરમાં દોડી જઇ બોટ એસોસીએશના આગેવાનો સાથે રાખી માછીમારોને મળી સમજાવી મામલો થાળે પાડયો હોવાનું જાણવા મળેલ છે. દર વર્ષે વેરાવળ બંદરમાં માછીમારી કરવા જવા માટેના મજૂરી કામ અર્થે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વસ્તા ખલાસીઓ મોટી સંખ્યામાં ઓગષ્ટ માસમાં માછીમારી સીઝનના પ્રારંભે આવે છે અને જુન માસમાં સીઝન પુર્ણ થાય ત્યારે પરત વતનમાં જતા રહે છે. આ રીતે ચાલુ વર્ષે માછીમારીની મજુરી અર્થે સાત હજારથી વધુ પરપ્રાંતીય ખલાસીઓ બંદરમાં આવેલ હતા. દરમ્યાન કોરોના મહામારી આવી પડતા તેનું સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકારે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવ્યું છે. જેના લીધે વેરાવળ બંદરમાં ૪,૨૦૦થી વધુ ફિશિંગ બોટો લાંગરી ગઇ છે. જેથી આ બોટોમાં કામ કરતા સાત હજાર જેટલા પરપ્રાંતીય ખલાસીઓ બંદરમાં કામકાજ વિના ફસાઈ ગયા છે. દરમ્યાન ચારેક દિવસ પૂર્વે આ ખલાસીઓએ વતન પરત જવા ઉહાપોહ કર્યો હતો. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા નાયબ કલેકટર, ફીશરીઝ સહિતના અધિકારીઓ માછીમાર એસોસીએશનના આગેવાનો સાથે બંદરમાં દોડી જઇ ખલાસીઓને હાલની પરિસ્થિતિથી વાકેફ કરી સમજાવેલ હતાં અને તેઓને અહીં જ રહેવા જમવા સહિતની તમામ સુવિધા તંત્ર પુરી પાડશે તેવી ખાત્રી આપતા મામલો થાળે પાડયો હતો. આ અંગે ફીશરીઝ અધિકારી તુષાર પુરોહિતે જણાવેલ કે હાલ વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશના ૨,૭૭૦, મહારાષ્ટ્રના ૧,૦૫૦, વલસાડ-ઉંમરગાવનાના ૩,૦૦૮, ભાવનગરના ૨૨૧ ખલાસીઓ છે. તંત્ર દ્વારા તમામ ખલાસીઓની રહેવા-જમવાની સુચારૂ વ્યવસ્થા કરાઇ છે. જેમાં રહેવા માટે ખલાસીઓ જે બોટમાં કામ કરતા હોય તેમાં જ કરાઇ છે. જયારે જમવા માટે તેમના બોટ માલીકોને ખલાસીઓના જમવા માટે રાશન પુરૂ પાડવા તાકીદ કરી છે. દરરોજ ખલાસીઓને ભોજન વ્યવસ્થીત મળે છે કે કેમ ? તેની ખરાઇ પણ કરાઇ રહી છે. આ ઉપરાંત ખલાસીઓને કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો માછીમાર એસોસીએશન સાથે સંકલનમાં રહી તંત્ર કામગીરી કરી રહયુ છે. જયારે ખલાસીઓને પરત મોકલાવા માટે સરકાર કક્ષાએથી નિર્ણય આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.