જૂનાગઢ પોલીસની કામગીરીની જનતાએ કરી સરાહના : અભિવાદન કરાયું

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા સમગ્ર શહેરમાં લોકડાઉનનો અમલ કરાવવા તથા લોકો એકત્રિત ના થાય એ રીતે બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હતું. તેઓ દ્વારા કરવામાં આવેલ સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, કમલેશભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, દેવાભાઈ, અશોકભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ખલીલપુર રોડ ઉપર સિદ્ધિ વિનાયક ફલેટ તથા આજુબાજુનાં તમામ ફ્‌લેટની ગેલેરીમાં લોકો દ્વારા લોક ડાઉનનો અમલ કરી, દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જ્યા પોલીસની ગાડીઓનો કાફલો પહોંચતા, આજુબાજુના તમામ ફ્‌લેટમાં પોત પોતાની ગેલેરીમાં રહેલ સ્ત્રી, પુરૂષ તથા બાળકો દ્વારા ચિચિયારીઓ કરી, તાળીઓ પાડી, જૂનાગઢ પોલીસનાં આધિકારીઓ તથા પોલીસ સ્ટાફનું અભિવાદન કરવામાં આવેલ હતું. પોલીસ પણ લોકોનું આ પ્રકારનું વર્તન જોઈને પહેલા તો, અચંબામાં પડી ગયેલી, પણ આગેવાન ભરતભાઇ શીંગળા, કેતનભાઈ પટેલ વિગેરે દ્વારા જણાવવામાં આવેલ કે, જૂનાગઢ પોલીસની લોક ડાઉન દરમ્યાન દિવસ રાતની ડ્‌યુટી, પોલિસ દ્વારા સતત કરવામાં આવતી કડક કાર્યવાહી, સાથે સાથે માનવતાવાદી અભિગમના કારણે લોકો દ્વારા પ્રસંશા કરવામાં આવેલ અને તાત્કાલિક હાજર જૂનાગઢ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફનું શાલ ઓઢાડી, સન્માન કરવામાં આવેલ અને ગેલેરીમાં હાજર લોકોએ જૂનાગઢ પોલીસ ઝીંદાબાદ, ભારત માતા કી જયનાં નારા લગાવેલા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા પણ અભિવાદન અને સન્માન કરવા બદલ આભાર માનેલ હતો અને જૂનાગઢ પોલીસ પોતાની ફરજના ભાગરૂપે જ કાર્યવાહી કરતી હોવાનું તથા લોકડાઉન જાહેરનામાનું પાલન જ જૂનાગઢ પોલીસનું સન્માન હોવાનું જણાવી, કોરોના વાયરસ સામેની લડતની આ શરૂઆત હોય, લડત બહુ જ લાંબી હોવાનું જણાવી, જૂનાગઢ શહેર અને જિલ્લામાં કલેકટર સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડીડીઓ પ્રવીણ ચૌધરી તથા સમગ્ર વહીવટી તંત્ર તથા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવતી સઘન કાર્યવાહીને અત્યારે જે રીતે સમર્થન આપવામા આવે છે, તેજ રીતે સમર્થન તથા સહકાર આપવા વિનંતી કરવામાં આવેલ હતી.
ઉપરાંત, પોલીસ દ્વારા લોકોને પોત પોતાના ઘરમાં જ રહેવા, બિન જરૂરી આંટા ફેરા નહીં કરવા, સોસાયટી, ફલેટ, મહોલ્લામાં ટોળે નહીં વળવા, ક્રિકેટ નહીં રમવા, સોશ્યલ મીડિયા દ્વારા અફવા નહીં ફેલાવવા, વિગેરે જાહેરનામાનો ભંગ નહીં કરવા વિનંતી પણ કરવામાં આવેલ અને આ તમામ હરકતો સજાને પાત્ર ગુન્હાઓ હોવાનું જણાવી, જૂનાગઢ પોલીસને સહકાર આપવા બદલ આભાર પણ માનવામાં આવેલ હતો અને ઘરમાં રહો, સુરક્ષિત રહો, તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત અને દેશ સુરક્ષિતનાં સૂત્ર દ્વારા સંદેશ પણ આપવામાં આવેલ હતો. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ બાબતે લોકડાઉનનો અમલ કરાવી, લોકોની ચિંતા કરી, લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ કરવામાં આવેલ હોય, લોકોમાં પણ પોલીસ પ્રજાની મિત્ર છે, એવો ભાવ જન્મેલ છે.

error: Content is protected !!