જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં વાયરસને ખાળવાનાં ભાગરૂપે યુધ્ધ જેવી સ્થિતી અંતર્ગત લોકડાઉનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીનાં જાહેરનામા તેમજ લોકડાઉનનાં ભંગ કરનારા સામે કડક કાર્યવાહી જૂનાગઢ શહેર અને જીલ્લા પોલીસતંત્ર દ્વારા કડક રીતે કરવામાં આવી રહી છે. લોકડાઉનનાં દિવસો દરમ્યાન સંખ્યાબંધ લોકો સામે જાહેરનામા ભંગની ફરીયાદો નોંધાઈ છે. ઘરમાં રહો, સુરક્ષિત રહોનાં ઉલ્લઘંન કરનારાઓને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. એક તરફ પોલીસ કાયદાનું પાલન કરાવી રહી છે અને બીજી તરફ સેવાકીય કાર્ય દ્વારા સેવાનો ધર્મ પણ બજાવી રહી છે. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર પણ સાર્થક કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી બારીયા સહિતનાં વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ અને સીધી દોરવણી હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાનું પોલીસતંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે. એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન, ભવનાથ પોલીસ ચોકી, તાલુકા પોલીસ, રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહેલ છે. ર૧ દિવસનાં લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગ અંગેની અનેક ફરીયાદો ઉઠવા પામી છે અને સંખ્યાબંધ કેસો જૂનાગઢ શહેર અને જીલ્લામાં બનવા પામ્યાં છે. જૂનાગઢ શહેરમાં જાહેરનામાં ભંગ બદલ પ૮૯ કેસો કરવામાં આવેલ છે અને ૭૯૦ આરોપી વિરૂધ્ધ કડક પગલાં ભરવામાં આવ્યાં છે. ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાના ભંગ કરવા સબબ ૭૦ જેટલા કેસો અને ૮પ જેટલા આરોપીઓ વિરૂધ્ધ પોલીસે સઘન કામગીરી કરી છે. આ ઉપરાંત સોશ્યલ મિડીયા મારફત ખોટી અફવાઓ ફેલાવનારા આઠ આરોપીઓ સામે કાર્યવાહી કરીને ૭ જેટલાં કેસો પોલીસ દફતરે નોંધાયા છે. જયારે સીસીટીવી કેમેરાની મદદથી જાહેરનામાનો ભંગ કરનારા ૧પ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી અને તેની સામે ૮ જેટલાં કેસો પોલીસ દફતરે નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં આડેધડ વાહન દોડાવવા, લોકડાઉન હોવા છતાં પણ બિનજરૂરી આટાફેરા કરવા સહિતનાં ગુના સબબ કુલ ૬૧પ જેટલાં વાહનો ડિટેઈન કરવામાં આવેલ છે અને વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. શનિવાર બપોર સુધીની શહેર પોલીસતંત્ર અને જીલ્લા પોલીસતંત્રની આ કામગીરી અત્રે પ્રસ્તૃતી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંગીનપણે જળવાઈ અને કયાંય પણ અફરાતફરીનું વાતાવરણ ન સર્જાઈ, ગેરસમજ ન ફેલાય, અફવા ન ફેલાય અને લોકો શાંતિપૂર્વક ઘરમાં જ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનો સતત કાર્યરત છે. વિવિધ વિસ્તારોનું ફુટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહેલ છે. પ્રેમથી સમજાવટથી અને જા ન માને તો કાયદાનું શ† અજમાવીને પણ લોકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ દિવસો દરમ્યાન ચોરી, લુંટ, મારામારી, હત્યા સહિતનાં બનાવોનું પ્રમાણ પણ ઘટ્યું છે.