કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ૨૧ દિવસ સુધી દેશભરમાં લોકડાઉન જાહેર થયા પછી જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મળી રહે છે. પરંતુ પોલીસના સઘન ચેકીંગના કારણે દેશી, વિદેશી દારૂની હેરાફેરી ઉપર આપોઆપ રોક લાગી જતાં નશાના બંધાણીઓ રીતસર ઘાંઘા થઇ ગયા છે. દેશી-વિદેશી દારૂ માટે મો માગ્યા પૈસા ચૂકવવા તૈયાર બંધાણીઓને ખંખેરી લેવા મેદાનમાં ઉતરી પડેલા કેટલાક લેભાગુ તત્વો દ્વારા ‘વોડકા’ના નામે ‘નશીલા’ પાઉચનું ધૂમ વેચાણ શરૂ કરી દીધું છે. પરંતુ દારૂના નામે રૂપિયા ૨૦૦થી ૨૫૦ માં વેચાઇ રહેલા આવા નશીલા પાઉચ ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જી શકે તેવી સંભાવના નકારી શકાતી નથી. કારણકે આ નશીલા પાઉચમાં સંભવત દેશી દારૂ સાથે એસેન્સ તેમજ નશાની તીવ્રતા વધારવા સ્પીરીટ સહિતના કેમીકલની ભેળસેળ થતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જાણકારોના કહેવા મુજબ આવા નશીલા પાઉચ ઢીંચનાર બંધાણીઓના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઇ શકે છે અને વધુ માત્રામાં સેવન કરાય તો જીવ ઉપર જોખમ ઉભું થઇ શકે છે. ગુજરાતનાં છેવાડાના વિસ્તારમાં આવા નશીલા પાઉચનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. નોંધનિય છે કે, ત્રણ દસકા પહેલાં અમદાવાદમાં મેડીકલ સ્ટોરમાં ખુલ્લેઆમ વેચાતાકોલન વોટરના સેવનીથી સર્જાયેલા લઠ્ઠાકાંડ ૩૦ થી વધુ વ્યક્તિના મોત થયા હતા તેમજ અનેકને ગંભીર અસર થઇ હતી. આવો લઠ્ઠાકાંડ ન સર્જાય એ માટે પોલીસે નશીલા પાઉચનું ઉત્પાદન, વેચાણ કરતા તત્વોને શોધી કાઢી કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે.