કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લીધો છે ત્યારે હવે આ મહામારીથી પ્રાણીઓ પણ બાકાત રહયા નથી. પ્રાપ્ત વિગતો મુજબ અમેરિકાના એક ઝૂ માં વાઘને કોરોના પોઝીટીવ આવતા જૂનાગઢનું વનતંત્ર દોડતું થઈ ગયું છે. ઝૂ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ દેશના તમામ ઝૂ ને એલર્ટ આપી દીધું છે. ખાસ કરીને જૂનાગઢ જીલ્લામાં સાસણ ગીર જંગલ એશિયાટીક સિંહોનું રહેઠાણ હોવાથી સિંહો ઉપર ખાસ વોચ રાખવા સુચના આપવામાં આવી છે. પ્રાણીઓના પાંજરાઓને સેનેટાઈઝ કરવામાં આવી રહયા છે. ત્યારે હવે વન વિભાગની શું શું તૈયારીઓ રહેશે તે જાવાનું રહયું. કોરોનાના કપરા કાળમાં વન્યપ્રાણી જગતમાં સારા સમાચાર પ્રાપ્ત થયા છે. સકકરબાગ ઝૂમાં ડી-૧૧ નામની સિંહણ અને આંબરડી નામના સિંહના મેટીંગથી સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે.
જયારે ધારીના આંબરડી સફારી પાર્કમાં સેલજા નામની સિંહણે ૩ બચ્ચાને જન્મ આપ્યો છે. જયારે પાંચ દિવસ પહેલા પણ સકકરબાગ ઝૂ માં ડી-૮ નામની સિંહણ અને જેસલ નામના સિંહના સહવાસથી ૩ બચ્ચાનો જન્મ થયો છે. આ તમામ સિંહબાળો તંદુરસ્ત હોવાનું જાણવા મળે છે. આમ છેલ્લા એક સપ્તાહમાં કુલ નવ સિંહબાળનું આગમન થયું હોવાનું પણ જાણવા મળી રહયું છે.