સુપ્રસિધ્ધ સક્કરબાગ ઝુ ખાતે રહેતાં સિંહ પરિવારમાં આનંદનો અવસર

0

જૂનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય એટલે કે સક્કરબાગ ઝુ આજે કોરોનાનાં આ સંક્રામણકાળમાં પણ આનંદદાયક સમાચાર આપી રહેલ છે. અહીં વસવાટ કરતાં સિંહ પરિવારમાં જાણે આનંદનો અવસર આવ્યો હોય તેમ ગઈકાલે વધુ બે સિંહણોએ ૮ જેટલાં સિંહબાળને જન્મ આપ્યો હતો અને તેને કારણે સક્કરબાગ પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં પણ જેની ખ્યાતિ પ્રસરેલી છે તેવા જૂનાગઢ ખાતે આવેલાં સક્કરબાગ ઝુ (પ્રાણી સંગ્રહાલય) ખાતે સિંહ, વાઘ, દિપડો, ચિત્તો, સિંહણ સહિતનાં હિંસક પ્રાણીઓ તેમજ સાપ, અજગર સહિતનાં જળચર પ્રાણીઓ તેમજ કાળીયાર, હરણ સહિતનાં નિર્દોષ પ્રાણીઓ તેમજ જમીન પર રહેનારા, પાણીમાં રહેનારા અને સર્પશ્રૃંખલામાં આવતાં પ્રાણીઓ સહિત પક્ષીઓની વિવિધ જાતો તેમજ ખાસ કરીને સિંહોનું સંર્વધન એટલે કે બ્રીડીંગ માટેનું મુખ્ય કેન્દ્ર ગણાતા સક્કરબાગ ઝુમાં હાલ વસવાટ કરતાં સિંહ પરિવારોમાં આનંદનો અવસર આવ્યો છે અને આ અવસરનાં સમાચાર સિંહપ્રેમીઓ માટે પણ આનંદયુક્ત બની ચુક્યાં છે. સક્કરબાગ ઝુમાં આવેલા એશિયાઈ સિંહના સંવર્ધન કેન્દ્રમાં વધુ બે સિંહણે એક જ દિવસમાં ૮ સિંહ બાળને જન્મ આપતા છેલ્લાં ૮ દિવસમાં પાંચ સિંહણે ૧૭ સિંહબાળની ગુજરાતને ભેટ આપી છે. ગઈકાલે સાંજે ડી-૧ર નામની સિંહણે એક નર અને એક માદા સિંહબાળને જન્મ આપ્યો છે. જયારે રાતે ડી-૧ અને ત્રાકુડા સિંહના સફળ બ્રીડીંગથી ૬ સિંહબાળ જન્મ્યા છે. જેમાં પ માદા અને ૧ નર સિંહબાળ હોવાનું સક્કરબાગ ઝુનાં ડાયરેકટર અભિષેકકુમારે જણાવ્યું છે. આ અંગે ડો.કડીવારે જણાવ્યું હતું કે હાલ તમામ નવા જન્મેલા સિંહબાળ ઉપર સીસીટીવીથી સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. વન્યપ્રાણી વર્તુળના સીસીએફ ડો.ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું કે હાલ તમામ સિંહબાળ તેમની માતા સાથે સુરક્ષિત છે અને માતા સિંહણોના ખોરાકમાં વધારો કરાયો છે અને તેમને પુરતા પ્રમાણમાં શÂક્ત મળી રહે તે માટે મિનરલ્સ અને વિટામીન આપવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં જ્યારથી કોરોનાનાં ગંભીર રોગચાળો ખતરો બનીને આક્રમણ કરી રહ્યો છે ત્યારે જે રીતે દેશવાસીઓ કોરોના સામે સાવચેતી અને પરેજી રાખવા માટેનાં આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યાં છે. પ્રશાસન તંત્ર દ્વારા પણ લોકડાઉનનું પાલન કરાવી અને લોકોને ઘરમાં રહો અને સુરક્ષિત રહોની અમલવારી કરી રહ્યાં છે અને આમ જનતા પણ તેનું મહ્‌દઅંશે પાલન કરી રહી છે. દરમ્યાન કોરોનાની ગંભીર બિમારીનાં આ સમયે પ્રાણી-પક્ષીઓ સહિતનાં જીવોને માટે પણ સાવચેતી અને પરેજી રાખવાનાં આ સમયકાળમાં જૂનાગઢ ખાતે આવેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વિશેષ કાળજી લેવામાં આવી રહેલ છે. રોજે-રોજની તપાસણી કરવામાં આવે છે. તેમજ પ્રાણી-પક્ષીઓને ખોરાક આપવા જતાં કર્મચારીઓ પણ ગ્લોઝ તેમજ જરૂરી સાવચેતી સાથે પરિક્ષણ બાદ ખોરાક પ્રાણી અને પક્ષીઓને આપવામાં આવતો હોય છે. અને સંપૂર્ણ કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લાં ૮ દિવસમાં આનંદદાયક સમાચારની સટાસટી સમી હેટ્રીકમાં ગઈકાલે ઐતિહાસીક ઘટનામાં વધુ બે સિંહણોએ ૮ સાવજાને જન્મ આપી એક અઠવાડિયામાં જ સક્કરબાગ ઝુ ખાતે ૧૭ જેટલાં બાળસિંહો અવર્તયા છે. ત્યારે આ ૧૭ બાળ સિંહોનાં કિલકીલાટભર્યા ઘુંઘવાટથી સક્કરબાગ ઝુ ગુંજી ઉઠ્યું  છે.

error: Content is protected !!