જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો એકપણ કેસ નથી તેની પાછળ ચાર અધિકારીની ટીમવર્કની મહત્વની ભૂમિકા

0

જૂનાગઢમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. અને સ્થિતી કાબુમાં છે. જૂનાગઢ મનપનાં મ્યુ. કમિશ્નર તુષાર સુમરાએ જણાવ્યું હતું કે કોરોના અંગે મનપાએ બે માસ અગાઉથી સાવચેતીનાં પગલા લેવાનું શરૂ કરી દીધું હતું. મહાશિવરાત્રીનાં મેળાથી જ આનું સ્કનીંગ શરૂ કરી દેવાયું હતું. મેળામાં આવેલા તમામ વિદેશીઓ માટે સહાયતા સેન્ટર શરૂ કરીને ટેમ્પરેચર માપીને જ હોટલોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આના માટે જૂનાગઢ શહેરની તમામ ફાઈવસ્ટાર હોટલમાં વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી.
ગુજરાત રાજય સરકારના આદેશ બાદ સઘન ચેકીંગ શરૂ કરાયું હતું. શંકાસ્પદ કેસમાં તેમનાં પરીવારને કોરેન્ટાઈન કરાયા, તમામ કોરેન્ટાઈનના ઘરે સ્ટીકર મારીને દિવસમાં હેલ્થશાખાની ટીમો દ્વારા બે વખત અને મનપાની અન્ય ટીમો દ્વારા એક વખત ચેકીંગ કરવામાં આવતું હતું. કોઈ કોરેન્ટાઈનનો ભંગ ન કરે તે માટે ચોકસાઈ રખાતી હતી.
૧૧૪ ઈન્ટર તબીબોની મદદ લેવાઈ
જૂનાગઢમાં લોકડાઉન પહેલા જ મનપાએ ઘરે ઘરે સર્વે કર્યો હતો. જેમાં આરોગ્ય ચકાસણી માટે સિવીલનાં ૧૧૪ જેટલા ઈન્ટર તબીબો અને નર્સોને તાલીમ આપીને ઘરે ઘરે જઈને કોરાના સંક્રમિત અંગે સર્વે કરી શંકાસ્પદ લોકોને સારવાર આપી હતી. જેની ગુજરાત રાજય લેવલે નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ આ આયોજનનો અન્ય જીલ્લામાં અમલ કરાવાયો હતો.
લોકડાઉન પહેલા જ સર્વે કરાયો
જૂનાગઢ મનપાએ લોકડાઉન પહેલા જ જૂનાગઢ શહેરમાં સર્વે કરી લીધો હતો. એનજીઓને પાસ આપવાની સત્તા મનપા હસ્તક રાખવામાં આવી હતી. સર્વે મુજબ ૧પ વોર્ડમાં જેમની પાસે રેશનકાર્ડ નથી, કે કોઈ આવકનું માધ્યમ નથી તેવા ૩૪૪૧ લોકોની યાદી પહેલેથી તૈયાર કરી લેવાઈ હતી. જેમને હાલ જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓ તેમનાં સુધી પહોંચાડવામાં આવી રહી છે.
ટીમવર્ક મહત્વનું સાબિત થયું
જૂનાગઢ મનપાનાં કમિશ્નર તુષાર સુમરાએ જણાવ્યું હતું કે કોરોના સામે લડવા જૂનાગઢ જીલ્લામાં ગ્રામ્ય લેવલના પ્રશ્નો હોય કે શહેરી વિસ્તારનું આયોજન હોય તેને માટે ચાર અધિકારી કલેકટર ડો. સૌરભ પારઘી, એસપી સૌરભ સિંધ અને ડીડીઓ પ્રવિણ ચૌધરી, આ ચારની કમીટી પોલીસ લેવલનું ડીસીઝન હોય કે આરોગ્યને લગતું હોય તે અંગે ચારેયના મત લઈને નિર્ણય લેવામાં આવે છે. રોજ સવારે અને રાત્રે ૯ થી ૧૦ ચારેય અધિકારી મળીને રોજેરોજનું અને આગોતરૂ આયોજન હાલ મહત્વનું સાબિત થયું છે.