વેરાવળમાં કોરોનાના પોઝીટીવ આવેલા બે દર્દીઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં રહેતા અન્ય લોકોના આરોગ્યની તપાસ કરવા અર્થે ગઈકાલે ગયેલ આરોગ્ય વિભાગની ટીમ સાથે એક યુવકે અમારા એપાર્ટમેન્ટમાં કોઇને હેલ્થની તપાસણી કરાવવી નથી તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી ટીમના બે સભ્યોને ધકકો મારી બહાર કાઢી મુકી ફરજમાં રૂકાવટ કરી હોવા અંગે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ ગુનાના આરોપીને પોલીસે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના સંક્રમણને અટકાવવા દેશભરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઇ લોકોના હેલ્થ ચેકઅપની મહત્વની કામગીરી કરી રહયા છે. તેમ છતાં અમુક નાસમજ લોકો આવી મહત્વની કામગીરી કરતા કર્મીઓ સાથે ગેરવર્તન કરી રહયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે જીલ્લા મથક વેરાવળમાં આવી બીજી ઘટના બહાર આવતા આરોગ્ય કર્મીઓમાં ભય સાથે રોષની લાગણી જન્મી છે. આજની ઘટનાની માહિતી મુજબ વેરાવળના ચારચોક વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃધ્ધ બારેક દિવસ પૂર્વે કોરોનો પોઝીટીવ આવેલ હોવાથી તેમના રહેણાંક મકાનની આજુબાજુના વિસ્તારમાં રાજય સરકારની સુચના મુજબ ઘણા દિવસથી આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇ લોકોના આરોગ્યની તપાસ કરવાનું કામ કરી છે. દરમ્યાન ગઈકાલે સવારે નવેક વાગ્યે આરોગ્ય વિભાગના દિનેશ ડોડીયા, ઇલેશ બારડ, મનીષા ચારીયા, હીના ડોડીયાની ટીમ ચારચોકની બાજુમાં આવેલ જબ્બાર ચોકમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં હેલ્થ ચેકઅપ માટે પહોંચી ત્યાં જ રહેતા લોકોને ચેકઅપ માટે બોલાવી રહયા હતા. દરમ્યાન સરફરાજ કાદરી નામનો યુવાન નીચે આવીને કહેલ કે, અમારા એપાર્ટમેન્ટમાં કોઇને હેલ્થની તપાસણી કરાવવી નથી કે અમારે કોઇપણ જાતની સરકારી સહાયની જરૂરત નથી કે અમારા એપાર્ટમેન્ટમાં કોઇ બિમાર ન હોય અહીંથી નિકળી જાવ તેમ કહી દિનેશ અને ઇલેશ સાથે સરફરાજે ગેરવર્તન કરી ધકકો મારી એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી મુકયા હતા. આરોગ્ય વિભાગની ટીમ સાથે રહેલ સુરક્ષાકર્મીએ સમજાવટ કરવા છતાં સરફરાજ માનેલ નહી અને દેકારો કરી સરકારી ફરજની કામગીરી અટકાવી હતી. આ ઉપરોકત ઘટના અંગે આરોગ્યની ટીમે હેલ્થર ઓફીસરને જાણ કરી હતી. જેથી ટીએચઓ ડો. ચૌધરીએ સરફરાજ સામે ઉપરોકત વિગતો સાથે ફરીયાદ આપતા પોલીસે આઇપીસી ૧૮૮, ફરજ રૂકાવટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સરફરાજની ધરપકડ કરી હતી. આ ઉપરાંત થોડા સમય અગાઉ પણ વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આશાવર્કર બહેનો સાથે ગેરવર્તનની ઘટના બની હોવાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ
હતો.