કોરોના મહામારીનાં કપરા સમયમાં પણ ક્રાઈમની ઘટના આકાર લઈ રહી છે. આજે અમે આપને સંબંધોની ક્રૂર હત્યાની ઘટનાથી વાકેફ કરીશું. આ ઘટના ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળ શહેરમાં ઘટી છે. વહેલી સવારે વેરાવળ બંદરમાં ફિશિંગ બોટ પાછળ અજાણ્યા આધેડનો ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃત વ્યક્તિનાં માથાનાં ભાગે અતિ ક્રૂરતા પૂર્વક લાકડાનાં ફટકા મારેલ હોય અને લોહીથી લથબથ મૃતદેહ જોઈ પોલીસ દ્વારા હત્યા થયાનું પ્રબળ અનુમાન સાથે તપાસનો ધમધમાટ આદરેલ હતો. દરમ્યાન પોલીસની તપાસમાં મૃત વ્યક્તિની ઓળખ થઈ હતી અને તે ભીડીયા વિસ્તારમાં રહેતો પ્રવીણ ડાલકી (ઉ.વ.૪૮)નો હોવાનું સામે આવેલ. ત્યારબાદ હત્યારા સુધી પહોંચવા પોલીસે સઘન તપાસ હાથ ધરતાં હત્યારાની ઓળખ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જી હાં મૃતક આધેડને તેના જ પુત્રએ મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવ્યું હતું. અને પોલીસ દ્વારા હત્યારા પુત્ર સન્ની ઉર્ફે સુનિલની અટક કરી આગવી ઢબે પૂછપરછ હાથ ધરતાં પોલીસ પાસે પોપટ બની ગયેલ યુવકે હત્યાની સમગ્ર હકીકત રજૂ કરી હતી. હત્યાનાં પ્રાથમિક કારણમાં હત્યારા પુત્ર સન્ની ઉર્ફે સુનિલએ મૃતક પિતા પ્રવીણભાઈ ઘરમાં દુર્વ્યવહાર કરતા અને જુદા જુદા લોકો પાસેથી ઉછીનાં નાણાં લઈ ચૂકવતાના હતા આથી કંટાળી જઇ હત્યા કર્યાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પોલીસ સમક્ષ હત્યારા પુત્રની કબૂલાત જાણીને પણ પોલીસ દંગ રહી ગઈ હતી. પ્રવીભાઈને ક્રૂરતાની તમામ હદ વટાવી મોતને ઘાટ ઉતારેલ. પ્રથમ ઘરે ઝેર પાઇ હત્યા માટે પ્રયાસ કરાયેલ પરંતુ પ્રવીણભાઈએ ઉલટી કરી નાખતા બચી ગયેલ ત્યારબાદ રાત્રીનાં પુત્ર સન્ની ઉર્ફે સુનિલ પિતાને મોટરસાયકલ ઉપર બેસાડી વેરાવળ બંદરમાં લઇ આવેલ જ્યાં પ્રથમ હાથ વડે બાદમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો આપેલ આમ છતાં પ્રવીણભાઈનો જીવ જતો ના હોવાથી આખરે લાકડાનાં ફટકા માથાનાં ભાગે મારી હંમેશા માટે સુવડાવી દીધા હતા. પોલીસનાં જણાવ્યા મુજબ પિતાની ક્રુર હત્યા કરનાર પુત્ર સન્ની ઉર્ફે સુનિલને મૃતકની પત્ની અને હત્યારા પુત્ર સન્નીની માતા પાનીબેને પુત્રનાં હીન કૃત્યમાં મદદગારી કરી હતી અને હત્યારાનાં પુત્રનાં કપડાં અને ઝેરની બોટલને સળગાવી હત્યાનાં પુરાવાનો નાશ કરેલ હતો. હાલ પોલીસે હત્યારા પુત્ર સન્ની ઉર્ફે સુનીલ પ્રવિણ ડાલકી અને પત્ની પાનીબેન પ્રવીણભાઈ ડાલકી વિરૂદ્ધ ગુન્હો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિશિંગ બોટમાં માછીમારી કામ માટે મજુરીએ જતા શ્રમિક પરિવારમાં ગૃહ કંકાસએ વરવી સ્થિતિ સર્જી દીધી અને સંબંધોની હત્યા કરી નાખી હતી.