ગીર સોમનાથનાં તાલાલામાંથી ૩ અને ઉનાનાં સીમરમાંથી ૧ કોરોના પોઝીટીવ કેસ આવ્યો

0

ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલા તાલુકામાંથી ૩ અને ઉના તાલુકાના સીમર ગામેથી ૧ મળી કુલ ૪ કોરોના પોઝીટીવના દર્દીઓ આવતા વહીવટી-આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પોઝીટીવ આવેલા ચારેય દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી સુરત અને મહારાષ્ટ્રની હોવાનું બહાર આવ્યું છે. જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો ૨૨ પહોંચ્યો છે. જેમાં ૩ સ્વસ્થ થઇ રીકવર થયા છે અને ૧૯ કેસ એકટીવ છે. જીલ્લામાંથી લેવાયેલ ૩૬ શંકાસ્પદ દર્દીના નમુનાનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જયારે જીલ્લાનાં છ તાલુકાઓમાંથી શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૬૯ લોકોના નમુના લેવામાં આવેલ હોવાનું આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાએ જણાવેલ છે. લોકડાઉનના પ્રથમ અને બે ચરણ ભાગમાં ગીર સોમનાથ જીલ્લાનાં છ પૈકીના તાલાલા, કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકા કોરોનાના સંક્રમણથી બચીને રહ્યાં હતા. દરમ્યાન લોકડાઉન ૩માં સરકારે લોકોને મહાનગરોમાંથી પોતાના વતનના અન્ય જીલ્લાઓમાં જવાની છુટ આપવાનું શરૂ કર્યા બાદ તેના ગંભીર પરીણામો ધીમે ધીમે અત્યાર સુધી કોરોના મુકત રહેલ જીલ્લાઓમાંથી આવી રહેલ પોઝીટીવ કેસના આંકડાઓ બતાવી રહ્યાં છે. જેમાં વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસ દરમ્યાન જ ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનાર, ઉના, ગીરગઢડા તાલુકામાંથી જ ૧૫ જેટલા કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આ તમામ કેસોના દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રના મુંબઇ સહિતના રેડઝોન વિસ્તારની હોવાનું બહાર આવ્યું છે. જેથી સ્થાનીક લોકો અને જીલ્લા વહીવટીતંત્ર ચિંતામાં મુકાયુ છે. તો બીજી તરફ સરકારી આંકડા મુજબ છેલ્લા પાંચ દિવસમાં જ ૨૩ હજારથી વધુ લોકો સુરત, અમદાવાદ, મુંબઇ સહિતના શહેરોના રેડઝોન વિસ્તારમાંથી ગીર સોમનાથ જીલ્લામાં આવ્યા છે. જે અંગે સ્થાનીકોમાં ચિંતા હોવાનો અહેવાલ ગઈકાલે પ્રસિધ્ધ કરેલ જેને સમર્થન આપતુ હોય તેમ ગીર સોમનાથના બે તાલુકામાંથી વધુ ૪ કોરોનાના પોઝીટીવ કેસો આવ્યા છે. ગીર સોમનાથના તાલાલા તાલુકાના હડમતીયાગીર ગામે કોરોનાના ૩ પોઝીટીવ કેસ આવ્યા છે. પોઝીટીવ આવેલા ત્રણ વ્યકિતઓમાં એક જ પરીવારના ૪૭ વર્ષીય પતિ-પત્ની અને ૨૪ વર્ષીય પુત્ર છે. આ ત્રણેય વ્યકિતઓ પાંચ દિવસ પૂર્વે સુરતથી આવેલ હતા. ત્યારે તાલાલામાં પ્રથમ બે દિવસ ફેસેલીટી કોરોન્ટાઇનમાં પણ રખાયા બાદ ત્રણેયને તેમના ઘરે હોમકોરોન્ટાઇન કરેલ હતા. જયાં ત્રણેયમાં શંકાસ્પબદ લક્ષણો દેખાતા નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ જે પોઝીટીવ આવ્યા હતા. આ પરીવારના ત્રણેય સભ્યોને સુરતમાં તેમના પાડોશીમાં રહેતા એક પરીવાર કે જેઓ કોરોના પોઝીટીવ આવેલ હોય તેઓનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. જ્યારે ઉના તાલુકાના સીમર ગામે ચાર દિવસ પૂર્વે મુંબઈથી આવેલ ૨૮ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ આવેલ છે. આ યુવાન બે દિવસ પૂર્વે ઉનાના નવાબંદર ખાતે કોરોના પોઝીટીવ આવેલ વ્યકિત સાથે જ મહારાષ્ટ્રથી ખાનગી કારમાં સીમર આવેલ હોવાની ટ્રાવેલ હીસ્ટ્રી જાહેર થઇ છે. સીમરનો યુવાન કોરોન્ટાઇનમાં હોય જયાં તેના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. હાલ એકી સાથે આવેલા ૪ કોરોના પોઝીટીવ કેસ બાદ વહીવટી-આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.
હડમતીયા ગીર અને સીમર ગામને તંત્રએ કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા
કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જીલ્લા કલેકટર અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કોરોના પોઝીટીવ આવેલા તાલાલાના હડમતીયા ગીર અને ઉનાના સીમર ગામને કન્ટેઇન્ટમેન્ટઝોન જાહેર કર્યા છે. તાલાલા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયત અને ઉના તાલુકાના સીમર ગ્રામપંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તારમાં લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન સહિતની જીવન જરૂરયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર ઇન્સીડન્ટ કમાન્ડરની દેખરેખ હેઠળ હોમ ડીલેવરીથી પુરી પાડશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ધોરણસરની કાર્યવાહી થશે. આ આદેશ તાત્કાલીક અસરથી તા.૨૭ મે સુધી અમલમાં રહેશે.