સોમનાથના દરીયાકાંઠાના લાટી, કદવાર અને હિરાકોટ બંદર ગામમાં પોલીસની મીઠી નજર હેઠળ કુખ્યાત બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ચલાવી રહયા છે. જેના કારણે અનેકો લોકો ગંભીર બિમારીમાં સપડાય રહયા હોવાથી અનેક પરીવારો આર્થીક-સામાજીક રીતે બરબાદ થયા છે. જેથી દેશી દારૂના હાટડા કાયમી બંધ કરાવવા ગીર સોમનાથ જીલ્લાકક્ષાએથી ખાસ ગુપ્ત ઓપરેશન હાથ ધરી કડક કાર્યવાહી કરવાની માંગણી સાથેની લેખીત રજુઆત માજી સરપંચ દ્વારા ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાને કરી છે.
રાજયમાં દેશી-વિદેશી દારૂના હાટડાઓ, જુગારની કલબો, નશાયુકત પદાર્થોની હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા નવા કડક કાયદાઓ અમલમાં મુકી કાર્યવાહી કરાઇ રહી હોવાનું સરકાર કહી રહી છે. પરંતુ આવા સમયે જ જગવિખ્યાત સોમનાથ સાંનિઘ્યની સમીપે દરીયાકાંઠે વસેલા લાટી, કદવાર અને હિરાકોટ બંદરના ગામોમાં પોલીસની મીઠી નજર હેઠળ બેફામ દેશી દારૂના હાટડા ધમધમતા હોય જે બંધ કરાવવા અંગે લાટીના માજી સરપંચ ડાયાભાઇ છાત્રોડીયાએ ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાને લેખીત રજુઆત કરી છે. જેમાં જણાવેલ કે, લાટીના કરશન જીવા સોલંકી, કાના કરશન સોલંકી નામના બુટલેગરો દ્વારા ત્રણેય ગામોમાં અડો બનાવી ખુલ્લેઆમ દેશી દારૂનું વેંચાણ કરે છે. આ બનાવટી દારૂના સેવનથી આજુબાજુના ૬૦ થી ૭૦ લોકો કિડની અને લીવર ફેલઈર જેવી ગંભીર બિમારીમાં સપડાયા છે. જેથી તેમના પરીવારો આર્થીક રીતે બરબાદ થઇ રહયા છે.
ત્રણેય ગામોમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ અંગે અનેકવાર સ્થાનીક પોલીસને રજુઆતો કરી હોવા છતાં કોઇ અસરકારક કાર્યવાહી થતી નથી. એક ચર્ચા મુજબ સ્થાનીક બીટ જમાદારથી લઇ અધિકારી સુઘી બુટલેગરો નિયમિત હપ્તા પહોચાડે છે. જેથી જયારે લોકો ફરીયાદ કરે ત્યારે ગોઠવણના ભાગરૂપે ઓછો જથ્થો પકડી તેની ફરીયાદ નોંધી આરોપીઓને જામીન ઉપર મુકત કરી છાવરવામાં આવે છે. બુટલેગરોની સ્થાનીક પોલીસ સાથે અભેદ સાંઠગાંઠ હોવાથી ગ્રામજનો જયારે દેશી દારૂની પ્રવૃતિ બંધ કરાવવા જાય ત્યારે બુટલેગરો મારામારી કરવા લાગે છે. આ ત્રણેય ગામોમાં થતા દેશ દારૂના ખુલ્લેઆમ વેંચાણની અસામાજીક પ્રવૃતિ સંદતર બંધ નહીં થાય તો અનેક પરીવારોના માળા વિખાય જશે તેવી શકયતા છે. જેને ઘ્યાને લઇ ગીર સોમનાથ જીલ્લાકક્ષાએથી એક પ્રામાણીક અધિકારીની ટીમની રચના કરી ખાનગી રાહે દરોડા પાડી પકડાયેલા બુટલેગરો સામે નવા કાયદા પ્રમાણે પાસા જેવી કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરવવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews