ગુજરાતમાં સોલાર પ્રોજેકટને લઈ નાના વીજ ઉત્પાદકો માટે તકો વધતાં ત્રણ માસમાં પ૧૯ર અરજી આવી

0

ગુજરાત રાજ્યમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નાના વીજ ઉત્પાદકો મોટી સંખ્યામાં લાભ લે તે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનો અમલ કરવામાં ગુજરાત અગ્રેસર રહેલ છે. જેને લઈને માત્ર ત્રણ માસમાં જ રાજ્યમાં નાના સોલાર પ્રોજેક્ટ માટે પ૧૯ર અરજીઓનો ધસારો થયો છે. રાજ્યમાં પ૦૦ કિલોવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત વીજળી વીજ કંપનીઓ દ્વારા ખરીદવા સહિતના વિવિધ પ્રોત્સાહનો નીતિ હેઠળ જાહેર કરવામાં આવેલા છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પૂરતી ઝડપને ધ્યાને લેતા અહીં પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે. નાના વીજ ઉત્પાદકોને વીજ ઉત્પાદનની પૂરતી તકો મળે તે આશયથી રાજ્ય સરકારે સમગ્ર દેશમાં પ્રથમ વખત રાજ્યમાં ‘સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ નીતિ’ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. આ નીતિ રાજ્યમાં સોલાર પાર્ક્સમાં ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે, ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે અત્યંત આશીર્વાદરૂપ બનવાની છે. આ નીતિ હેઠળ પ૦૦ કિલોવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેક્ટ માટે નાના વીજ ઉત્પાદકો કે જે મોટા સોલાર પ્રોજેક્ટ સ્થાપવા સક્ષમ ન હોય તેઓ પોતાની ખાનગી જમીન પર કે જમીન લીઝ ઉપર મેળવી આવા નાના સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકે છે. આ નીતિ અંતર્ગત રાજ્યભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી જેને વ્યાપક પ્રતિસાદ મળતાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના માત્ર ત્રણ માસમાં જ કુલ પ૧૯ર અરજીઓ નાના સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે નોંધાઈ છે. આ અરજીઓના પ્રોજેક્ટ્‌સની કુલ વીજ ક્ષમતા ૩પ૩૬ મેગાવોટ જેટલી થાય છે. સરકારે જાહેર કરેલ આ નીતિ હેઠળ કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા, ૦.પ મેગાવોટથી ૪ મેગાવોટ સુધીનો સ્મોલ સ્કેલ પાવર પ્રોજેક્ટ સ્થાપી રાજ્યની વીજ કંપનીઓને આ ઉત્પાદિત ઉર્જાનું વેચાણ કરી શકે છે. રાજ્યની વીજ કંપનીઓ આ ઉત્પાદિત ઉર્જા ખરીદવા માટે રપ વર્ષના કરાર કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews