જૂનાગઢ અને ગિરનાર પર્વત ઉપર કોલ્ડવેવ, જનજીવન ઠુંઠવાયું

0

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ પ્રવર્તતી રહી છે. છેલ્લા ૧પ દિવસ થયા કાતિલ ઠંડીનાં દોરમાં જનજીવન પ્રભાવિત થયું છે. ગઈકાલે પણ અતિશય ઠંડુ હવામાન રહયું હતું. અને આજે પણ સવારથી જ ઠંડીનો દોર યથાવત રહયો છે. આજે જૂનાગઢનું તાપમાન જાેઈએ તો મહત્તમ ૧૧.૦, લઘુત્તમ ૭.૦, ભેજ ૭૮ ટકા અને પવનની ગતિ ૩.૪ છે. જૂનાગઢમાં આજે ૭.૦ અને ગિરનાર પર્વત ઉપર ર.૦ તાપમાન રહયું છે. જેને કારણે જનજીવન ઠુંઠવાયું છે. જૂનાગઢ શહેરમાં રવિવારે શિત લહેર ફરી વળી હતી. દિવસભર વાતાવરણ ટાઢુંબોળ રહેતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. બર્ફિલા પવન ફૂંકાતા સર્વત્ર ઠંડા ઠંડા કુલ કુલ જેવું વાતાવરણ રહ્યું હતું. ખાસ કરીને રવિવાર- ૯ જાન્યુઆરી શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રવિવારે શહેરમાં ૭.૫ ડિગ્રી અને ગિરનારમાં ૨.૫ ડિગ્રી કાતિલ ઠંડી પડતા લોકો રીતસરના થરથર ધ્રૃજી ઉઠ્‌યા હતા. આ અંગે મળતી વિગત મુજબ શનિવારની રાતથી જ વાતાવરણમાં ઠારનું પ્રમાણ વધી ગયું હતું. જ્યારે રવિવારે તો લઘુત્તમ તાપમાનનો પારો ૭.૫ ડિગ્રીએ આવી જતા કડકડતી ઠંડીથી લોકોને કંપારી છૂટી ગઇ હતી. દિવસભર બર્ફિલા પવન ફૂંકાતા મોટાભાગના લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા. જ્યારે બહાર નિકળનાર લોકોને પણ ઠંડાગાર પવનથી બચવા ગરમ કપડામાં વિંટળાઇ રહેવાની ફરજ પડી હતી. ઠંડીની અસર બજારોમાં પણ જાેવા મળી હતી. વહેલી સવારે દરરોજ લોકોની જે ચહલ પહલ રહેતી તેમાં ખાસ્સો ઘટાડો જાેવા મળ્યો હતો. જ્યારે મોડે સુધી બજારોમાં પણ લોકોની હાજરી જાેવા મળી ન હતી. જ્યારે સાંજના પણ ઠંડીથી બચવા લોકોએ દરરોજ કરતા વહેલા ઘરની વાટ પકડી હતી. આમ, બજારમાં પણ લોકોની ભીડમાં ઘટાડો થયો હતો. પરિણામે ખાસ કરીને ખાણી પીણીનો ધંધો કરનારે પણ વહેલા ઘરે પરત જવાની ફરજ પડી હતી. દરમ્યાન શહેરની સાથે ગિરનાર પર્વત ઉપર પણ બર્ફિલા પવન ફુંકાયા હતા. લઘુત્તમ તાપમાનનો પારો ૨.૫ ડિગ્રીએ આવી જતા પ્રવાસીઓ, સ્થાનિક ધંધાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. જ્યારે કાતીલ ઠંડીથી બચવા વન્યપ્રાણીઓ પણ દરમાં પૂરાઇ રહ્યા હતા જ્યારે સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ ઢૂવામાં પૂરાઇ રહ્યા હતા.

સકકરબાગ ઝૂમાં પ્રવાસીઓ વધ્યા !!

સર્વત્ર કોલ્ડવેવ ચાલી રહી છે. જાેકે, તેમ છત્તાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી, ઉલ્ટાનું શનિ, રવિ હોય પ્રવાસીની સંખ્યા વધી છે!! શુક્રવારે ૧,૫૧૩, શનિવારે ૨,૨૦૪ અને રવિવારે ૩,૩૫૮ પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. જાેકે, કોરોનાના કારણે પુરતી સાવચેતી રખાય છે. કોરોના રસીના સર્ટિ વિના પ્રવેશ અપાતો નથી. સ્થળ ઉપર જ આરોગ્યની ૨ ટીમ બેસાડાઇ છે જે રજીસ્ટ્રેશન કરી કોરોનાની રસી આપે છે. માસ્ક વિના એન્ટ્રી અપાતી નથી. માસ્ક યોગ્ય રીતે ન પહેરે અને નીચે ઉતારે તો તુરત ઝૂની બહાર કરવામાં આવે છે. થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપન સાથે શંકાસ્પદ લોકોના આરટીપીસીઆર પણ સ્થળ ઉપર જ કરાવાય છે તેમ નિરવ મકવાણા, આરએફઓ, સક્કરબાગએ જણાવ્યું હતું.

છેલ્લે ૯.ડિગ્રી ઠંડી રહી હતી

જૂનાગઢમાં છેલ્લે ૨૧ અને ૨૨ ડિસેમ્બરે ૯.૬ ડિગ્રી ઠંડી પડી હતી. બાદમાં ઠંડીમાં થોડો ચડાવ ઉતાર જાેવા મળતો હતો. પરંતુ તેમ છત્તાં ક્યારે ૯.૬ ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન જાેવા મળ્યું ન હતું. જ્યારે ૯ જાન્યુઆરીએ ૭.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન થઇ જતા આ દિવસ શિયાળાની સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ બની રહ્યો છે.

હજુ દિવસ કાતિલ ઠંડીની અસર રહેશે

વાતાવરણમાં આવેલા પલટાના કારણે શિતલહેર ફરી વળી છે. દરમ્યાન હજુપણ ૨ દિવસ સુધી શિત લહેરની અસર જાેવા મળશે. આમ, લોકોને હજુ ૨ દિવસ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.

માવઠા બાદ ઠંડી વધી

સૌરાષ્ટ્રમાં થયેલા માવઠાના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. બે દિવસ વાદળછાયા વાતવરણ વચ્ચે ઝાપટાંથી લઇને ૧ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. આમ, માવઠું થયા બાદ ઠંડીમાં ભારે વધારો થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!