દેશભરના અખબારો માટે કટોકટીનો કપરો સમયકાળ ચાલી રહયો છે. સતત વધતા જતા ભાવો અખબારોને પણ સતાવી રહયા છે. ખાસ કરીને કાગળ, કેમિકલ, શાહી, પ્લેટ વગેરેના વધી રહેલા ભાવોને કારણે અખબારો ચલાવવા ખુબજ મુશ્કેલ બની રહયા છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર તરફથી જાહેરાતના ભાવોમાં વધારો કરવામાં નહિ આવે તેમજ અખબારો માટે ખાસ યોજના જારી કરવામાં નહિ આવે તો આંદોલનની નોબત આવી પડશે તેવા નિર્દેશો મળી રહયા છે. છેલ્લા રપ વર્ષથી પણ વધારે સમયથી અખબારોને સરકાર તરફથી મળતી જાહેરાતના દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો બીજીતરફ સતત વધી રહેલા મોંઘવારીના કાળમાં એક તરફ કાગળ, કેમિકલ, પ્લેટના ભાવો દિવસે દિવસે વધતા જઈ રહયા છે. પરિવહન મોંઘું બન્યું છે. વીજ બીલ સહિત આનુસંગીક ખર્ચાઓમાં ભાવવધારો થઈ ગયો છે. તેમજ જીએસટી, ટીડીએસ જેવી કપાતનું પણ ભારણ વધી રહયું છે. આવા સંજાેગોમાં અખબાર ચલાવવું તે તેના તંત્રી અને માલિકો માટે ખુબજ મુશ્કેલજનક પરિસ્થિતીનું નિર્માણ કરી રહેલ છે. સરકારી ધોરણે અપાતી જાહેરાતો સસ્તા દરે છપાય છે અને આ જાહેરાતના ભાવવધારાની માંગ ઘણાં સમયથી કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી જે તે અખબારોને તેમની જાહેરાતના ભાવ મળી શકતા નથી. અખબારોના તંત્રી, પ્રકાશકો અને માલિકો માટે કટોકટીનો આર્થિક દોર ચાલી રહયો છે. ગુજરાત સહિત દેશભરના દરેક રાજયોમાં આજ પરિસ્થિતી પ્રવર્તી રહી છે. અખબારોને માટે જાેઈતી સાધન-સામગ્રી ઉપરાંત કાગળ, કેમિકલ, પ્લેટ, જીએસટી, ટીડીએસ વગેરેનો વધારાના ભારણના ખર્ચાને પહોંચી કેમ વળવું? તે પણ મોટો પ્રશ્ન મુંઝવી રહયો છે. આર્થિક કટોકટીના સમયકાળમાં દેશના અનેક અખબારો બંધ થઈ રહયા છે અને ઘણાં બંધ થવાના આરે છે. આવી સ્થિતી વચ્ચે વચલો માર્ગ કાઢવો ખુબજ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદીના સમયકાળથી જ અખબારોનું પોતાનું એક અલગ અને આગવું પાસુ રહયું છે. ભારત દેશને આઝાદી અપાવવામાં પણ અખબારોનો સિંહફાળો રહયો છે. આઝાદી બાદ પણ વિકાસની પ્રક્રિયામાં પણ ભારતમાં અને દેશભરના રાજયોના વિકાસમાં અખબારોએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારે અખબારી ઉદ્યોગ આજે હાંફતા હાંફતા ચાલી રહયું છે ત્યારે સરકારે પણ તે બાબતે ધ્યાન કેન્દ્રીત કરવું પડે અને અખબારો માટે ખાસ યોજના જારી કરી તેમજ તેઓનું આર્થિક પાસું સબળ થાય તે માટે પણ મહત્વના આદેશો કરવાની જરૂર છે. અગાઉ અખબારોને સેલટેક્ષ માફી હોવાથી કાગળ પણ સસ્તો હતો પરંતુ આજે કાગળ પણ મોંઘો બની ગયો છે. કાગળ ઉપર કસ્ટમ ડયુટી વધારે લેવામાં આવી રહી છે. તેવા સંજાેગોમાં વિવિધ ખર્ચાઓને પહોંચી વળવા માટે અખબારોની શું કિંમત રાખવી? તે પણ પ્રશ્ન મુંઝવી રહયો છે. આજે વધી વધીને અખબારના ભાવોમાં જાેઈએ તો બે રૂપિયાથી પાંચ રૂપિયા સુધીમાં અખબારો મળી શકે છે. અને આનાથી વધારે જાે કિંમત રાખવા જઈએ તો લોકો અખબાર ખરીદી શકે તેવા સંજાેગો નથી હોતા. આમ હાલની વિષમ પરિસ્થિતી જાેતા અખબાર ચલાવવું હોય તો લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે અને અખબારોના માલિકો, તંત્રીઓ અને પ્રકાશકોના વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં અનેકવાર રજુઆતો થઈ છે પરંતુ આજ દિવસ સુધી કોઈ નકકર પરિણામ આવેલ નથી જેને લઈને દેશભરમાં આગામી દિવસોમાં અખબારોના માલિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews