ખંભાળિયામાં રહેતા એક શ્રમિક યુવાને ગઈકાલે સાંજે ટ્રેન હેઠળ પડતું મૂકીને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા અને છૂટક મજૂરી કામ કરતા દિલીપ ઉર્ફે રમેશ મનજીભાઈ બથવાર નામના ૩૫ વર્ષના યુવાને ગઈકાલે ઢળતી સાંજે ખંભાળિયા નજીકથી પસાર થતી ઓખા-ભાવનગર ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ યુવાનનો કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ ખંભાળિયા નજીક દ્વારકા તરફના રેલમાર્ગ ઉપરથી સાંપળ્યો હતો. આ બનાવની જાણ મૃતકના પત્નિ નીતુબેન ઉર્ફે નથીબેન દિલીપભાઈ ઉર્ફે રમેશભાઈ બથવાર દ્વારા અહીં પોલીસને કરવામાં આવી છે. મૃતક યુવાનને ૧૮ માસનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેણે પોતાના માતા અને ભાઈ સાથેના ઝઘડાના કારણે કંટાળીને ટ્રેન હેઠળ ઝંપલાવીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ તેની સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. ખંભાળિયા પોલીસે આપઘાત અંગેની નોંધ કરી, પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.