આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા પડી ચુકયો છે અને રાજકીય પક્ષો દ્વારા આ ચુંટણીમાં કઈ બેઠક ઉપર કોણ વિજેતા બનશે તે અંગેનાં ગણીત મંડાઈ રહયા છે. મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા દિવસો થયા તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હોવાનાં નિર્દેશો મળી રહયા છે. ખાસ કરીને જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો પાંચ વિધાનસભાની બેઠક માટે સેન્સ લેવાની કાર્યવાહી તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવી છે અને પ૭ ઉમેદવારોએ ટીકીટ માંગી હોવાનું બહાર આવેલ છે. હાલ શ્રાધ્ધ પક્ષ ચાલી રહયું છે અને આગામી તા. ર૬ સપ્ટેમ્બરથી શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રીનો મંગલમય પ્રારંભ થઈ રહયો છે ત્યારે આગામી દિવસોમાં તહેવારોમાં રાજકીય પક્ષોની ગતિવિધી જાેર પકડશે તેમ મનાય છે. આ વખતની વિધાનસભાની ચુંટણીમાં દરેક પક્ષોએ પ્રજા માટે મુસીબત બનેલા પ્રશ્નોનો સામનો કરવો પડશે તેવું ચિત્ર હાલ પ્રવર્તી રહયું છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાતાં પાંચ વિધાનસભા બેઠક માટે કુલ પ૭ ઉમેદવારો સામે આવ્યા હતાં. ગત ચુંટણીમાં જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠક ઉપર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. અને થોડા દિવસો બાદ ફરી ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી યોજવા માટે કવાયતો ચાલી રહી છે. તેવામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનાં ગઢ ગણાતા જૂનાગઢ જીલ્લામાં પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસનાં નેતાઓએ ટીકીટ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લીધી હતી. રાષ્ટ્રીય સ્તરેથી રાજયસભાનાં સાંસદ નારણ રાઠવા, સૌરાષ્ટ્રનાં જનરલ સેક્રેટરી રામકિશન ઓઝાએ જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે સેન્સ લીધી હતી. જેમાં પાંચેય વિધાનસભા બેઠકમાંથી આગેવાનો અને કાર્યકરો આવ્યા હતાં. સેન્સ પૂર્ણ થયા બાદ ટીકીટની માંગણી વિષે વાત કરીએ તો સૌથી વધુ કેશોદ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ૩૯ ઉમેદવારો, જૂનાગઢ વિધાનસભા બેઠક માટે ૪, વિસાવદર વિધાનસભા બેઠક માટે ૪, માણાવદર બેઠક માટે પ અને માંગરોળ બેઠક માટે પ ઉમેદવારોએ ટીકીટની દાવેદારી નોંધાવી હતી. ચુંટણીને લઈ જૂનાગઢ જીલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને આગામી વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા શતરંજનાં ચોકઠા ગોઠવવામાં આવી રહયા છે. કોણ ઉમેદવાર વિજેતા બની શકશે તે ઉપર ગણીત મંડાશે અને ત્યારબાદ ટીકીટોની ફાળવણી થશે. જાે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રજાનાં પ્રશ્નોનાં અનેક મુદાઓ સામે આવેલ છે અને આ મુદાઓનો સામનો ભાજપ હોય કે કોંગ્રેસ કે આપ અથવા તો અન્ય પક્ષો દરેકને કરવાનો જ છે અને તે મુજબ જ ગણીત મંડાશે. નવરાત્રી અને દિવાળી બાદ ગતિવિધી વધારે જાેર પકડશે તેમ મનાય છે.