નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં આર્ય સમાજના સ્થાપના દિવસની દિવ્ય અને ભવ્ય ઉજવણી : આર્ય સમાજની સ્થાપના કરીને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે
સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરીને વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે. આર્ય સમાજ રૂપે તેમણે સમાજ નિર્માણના પોતાના ક્રાંતિકારી વિચારોને સ્થાયી સ્વરૂપ આપ્યું છે. ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતિના આયોજનોની શૃંખલામાં આયોજિત આર્ય સમાજ સ્થાપના દિવસ સમારોહમાં વિશાળ મેદનીને સંબોધન કરતાં કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વર્ષોથી સુશુપ્ત- સુતેલા આ દેશના આત્માને ઝંઝોડીને જાગૃત કરવાનું કામ કર્યું છે. તીવ્ર જરૂરિયાતના સમયે સ્વામી દયાનંદજીએ સ્વદેશ, સ્વભાષા અને સ્વધર્મ જેવા શબ્દો અને વિચારો આપીને ભારત દેશની સ્વતંત્રતા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે આર્ય સમાજની પ્રવૃત્તિઓને નવી ઉર્જા સાથે વધુ વેગવાન અને વધુવ્યાપક બનાવવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હિન્દુ ધર્મ અને આર્ય સમાજના અનુયાયીઓ ક્યારેય સંકુચિત ન હોઈ શકે. ઋગ્વેદના વાક્ય- એક જ પરમાત્માને દ્રઢતાપૂર્વક વિશ્વ સમક્ષ રજૂ કરીને તેમણે ભારતની વિશાળતાનો પરિચય વિશ્વને કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીજીના વિચારોને સમગ્ર વિશ્વ સમક્ષ સન્માનપૂર્વક પ્રસ્તુત કર્યા છે, એટલું જ નહીં તેઓ આ દેશમાં જાગરણનું જે કામ કરી રહ્યા છે એની મૂળ કલ્પના પણ મહર્ષિ દયાનંદજીના જીવન અને કર્તૃત્વમાંથી મળી છે. સ્વામી દયાનંદજીએ સત્યાર્થ પ્રકાશના માધ્યમથી સત્ય જગત સમક્ષ પ્રસ્તુત કર્યું છે. આર્ય સમાજ સ્વરૂપે તેમણે એક એવી પરંપરા આ દેશને ભેટ આપી છે જે વર્ષોવર્ષ ભારતને ઉન્નતિના માર્ગે આગળ લઈ જશે અને ભારત જગતના કલ્યાણ માટેનું કારણ બનશે. આર્ય સમાજ દ્વારા સંબંધો બચાવો-દેશ બચાવો જેવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આર્ય સમાજે પ્રાકૃતિક ખેતી માટે પણ અભિયાન હાથ ધર્યું છે. આવી અનેક પહેલની પ્રશંસા કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂરી તન્મયતા અને જનૂનપૂર્વક પ્રાકૃતિક કૃષિ અભિયાન ઉપાડ્યું છે. આચાર્ય દેવવ્રતજીના અભિયાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમર્થન આપ્યું છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પૃથ્વીનું રક્ષણ તો થશે જ, ગૌમાતાનું પણ સંરક્ષણ અને સંવર્ધન થશે. આખી દુનિયાનું કલ્યાણ થશે, લાખો કિસાનો યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ધરતી માતાની ગુણવત્તા પાછી મેળવવાનું, માનવ શરીરને રોગમુક્ત કરવાનું આ અભિયાન વધુ વેગવાન બને એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. આઝાદીના આંદોલનનો ઇતિહાસ આર્ય સમાજના ઉલ્લેખ વિના અધૂરો છે, એમ કહીને અમિતશાહે કહ્યું હતું કે, અસહકાર આંદોલન હોય કે બંગભંગનું એલાન કે હૈદરાબાદ અને ગોવા મુક્તિ સંગ્રામ હોય, દરેકમાં આર્ય સમાજ અગ્રેસર રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા દિવ-દમણ અને ગોવાના મુક્તિ સંગ્રામના ઇતિહાસને સંકલિત કરવામાં આવી રહ્યો છે, આ ઇતિહાસમાં અનેક વખત સ્વામી દયાનંદ સરસ્વતીજીના અનુયાયીઓનો ઉલ્લેખ આવે છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી ગુજરાતી હતા, સંસ્કૃતના પંડિત હતા આમ છતાં તેમણે તમામ પુસ્તકો હિન્દી ભાષામાં જ લખ્યા. કારણકે તેઓ દ્રઢ પણે માનતા હતા કે આ દેશને દિશા આપવા એક ભાષાની આવશ્યકતા છે, અને તે હિન્દી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરીને શિક્ષણમાં ક્રાંતિ આણી, મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું, વિધવા વિવાહ માટે સમાજને તૈયાર કર્યો. આવા અનેક ક્રાંતિકારી ર્નિણયો અને વિચારો સમાજને આપ્યા. એક વ્યક્તિ પોતાના એક જીવનમાં આવા અનેક વિચારો આપી શકે.! એટલું જ નહીં અનુયાયીઓની આટલી વિશાળ ફોજ તૈયાર કરી શકે…! એ મહામાનવના જીવન વિશે કલ્પના કરવી અશક્ય છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ યુગોયુગો સુધી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું ઋણી રહેશે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, આવનારા બે વર્ષો દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ની જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમો થશે. આર્ય સમાજના ૧૫૦ વર્ષ મની ઉજવણી કરાશે અને સ્વામી દયાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદજીના બલિદાનની શતાબ્દીની ઉજવણી થશે. ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય આ ઉજવણીમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્ય સમાજની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે એ માટે સમગ્ર આર્ય જગત ગદગદ છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી ગુજરાતમાં જન્મ્યા હતા. પરમ સુયોગ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ પણ એ જ પાવન ભૂમિના સંતાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની એકતા, અખંડતા, સંપ્રભુતા તથા સંપૂર્ણ વિકાસ માટે જે કાર્યો થઈ રહ્યા છે તેનાથી સ્વામી દયાનંદ સરસ્વતીજીના સપનાં સાકાર થઈ રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા ૮ વર્ષ અગાઉ ૨૧માં સ્થાને તે હતી તે આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આતંકવાદ અને બોમ્બ બ્લાસ્ટ રોજીંદી ઘટનાઓ હતી, ભારતના નાગરિકો સુરક્ષાની અનુભૂતિ નહોતા કરી શકતા. એવી સ્થિતિમાં ભારત નિરાશ, હતાશ અને ઉદાસ હતું. આજે ૮-૯ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે નિકાસકાર બન્યું છે. મજબૂત સેનાથી દેશ સુરક્ષાની ભાવના અનુભવે છે. સ્કિલ ઈન્ડિયા, ફીટ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી પહેલથી ભારત આખા વિશ્વમાં અગ્રેસર બન્યું છે. કરોડો ગરીબોને રહેવા મકાન મળ્યું છે, ઉજ્વલા યોજનાથી બહેનોની સવલત વધી છે, શૌચાલયની વ્યવસ્થાથી બહેનોનું સન્માન જળવાયું છે. બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેન જેવી પહેલથી રેલવેનો કાયાકલ્પ થયો છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકકલ્યાણ, જનકલ્યાણ અને ભારતના ઉત્થાનથી વિશ્વના ઉત્કર્ષના મિશનમાં આર્ય સમાજ હંમેશા સમર્થનમાં હશે. આર્ય સમાજના આગેવાનોએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતમાં ભારત સરકાર સમલૈંગિક વિવાહનો વિરોધ કરી રહ્યું છે. આર્ય સમાજ પણ સમલૈંગિક વિવાહનો વિરોધ કરે છે અને આ મુદ્દે ભારત સરકારના સમર્થનમાં છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, ભારતમાં ભાગલાવાદી તાકાતોનો સામનો કરવામાં આર્ય સમાજ હંમેશા ભારત સરકારની પડખે છે. આર્ય સમાજ અલગાવવાદી તાકતોનું સમર્થન ક્યારેય નહીં કરે. આર્ય સમાજના કાર્યક્રમોમાં હંમેશા ૫૦% શ્રીઅન્ન એટલે કે મિલેટ્સનો ઉપયોગ થશે. આર્ય સમાજે એવી પણ મહત્વની જાહેરાત કરી હતી કે, આવનારા સમયમાં આર્ય સમાજની તમામ સંસ્થાઓ વીજ વપરાશના ૫૦% વીજળી સૌર ઊર્જા વાપરશે.