મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજાેય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

0

૧૪ અને ૧૫ જૂન દરમ્યાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી : એન.ડી.આર.એફ.ની ૨૧ તથા એસ.ડી.આર.એફ.ની ૧૩ ટીમો તહેનાત : માર્ગ અને મકાન વિભાગની ૯૫ ટીમો, ઊર્જા વિભાગની ૫૭૭ ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ ઉપરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે : દરિયાઈ વિસ્તારના ૮ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો, દરિયાકિનારાથી ૦થી ૧૦ કિલોમીટર સુધીનાં ગામો તથા વૃદ્ધો બાળકોનું જરૂર-જણાયે સલામત સ્થળે સ્થળાંતરની ત્વરિત વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજાેય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સોમવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવની સ્થિતિની સમીક્ષા તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ૮ જિલ્લાઓના ૨૫ તાલુકાઓના સમુદ્રથી ૦થી પાંચ કિલોમીટર અને પાંચથી ૧૦ કિલોમીટરમાં વસેલા ૪૪૧ ગામોની અંદાજે ૧૬ લાખ ૭૬ હજાર જનસંખ્યાને આ વાવાઝોડાને પરિણામે સંભવિત વરસાદ, તીવ્ર પવન, દરિયાઈ મોજાંની સ્થિતિનો સામનો કરવો પડે તેમ છે. તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૬૮૨૭ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં ૬૦૪૧ અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી ૩૨૪૩ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ૫૨૧ જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં ૧૫૭ એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે. હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. આ સંદર્ભમાં વરસાદને કારણે લોકોને અને પશુઓને કોઇ જાનહાનિ કે મોટું નુકશાન ન થાય તે માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગે ૯પ ટીમો બનાવીને મંગળવાર બપોર સુધીમાં આ જિલ્લાઓમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે. એટલું જ નહિ, ઊર્જા વિભાગે પ૭૭ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો ઉપરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે દ્ગડ્ઢઇહ્લ તથા જીડ્ઢઇહ્લની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તદઅનુસાર, કચ્છ જિલ્લામાં એન.ડી.આર.એફ.ની ૩ ટીમ તથા એસ.ડી.આર.એફ.ની ૨ પ્લાટુન તહેનાત કરવામાં આવી છે. રાજકોટમાં ૩ એન.ડી.આર.એફ.ની ટીમ મોકલવામાં આવી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં એન.ડી.આર.એફ.-એસ.ડી.આર.એફ.ની ૨-૨ ટીમો મોકલવામાં આવી છે. મોરબી, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢમાં એન.ડી.આર.એફ.-એસ.ડી.આર.એફ.ની ૧-૧ ટીમો તહેનાત કરવામાં આવી છે. વલસાડમાં એન.ડી.આર.એફ.ની ૧ તથા પાટણ અને બનાસકાંઠામાં એસ.ડી.આર.એફ.ની ૧-૧ ટીમો મોકલાઈ છે. ગાંધીનગરમાં એન.ડી.આર.એફ.ની ૧ ટીમ તથા સુરતમાં એસ.ડી.આર.એફ.ની ૧ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આમ, એન.ડી.આર.એફ.ની ૧૫ ટીમો તહેનાત તથા ૬ રિઝર્વ કરી કુલ ૨૧ ટીમો સજ્જ કરવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની ૧૨ તહેનાત અને ૧ રિઝર્વ એમ કુલ ૧૩ ટીમો સજ્જ કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ ૧૪૬૯ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંભવિત વાવાઝોડાના સંકટ સામે સમગ્ર રાજ્યના અને ખાસ કરીને દરિયાકાંઠાના આઠ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પૂરી ક્ષમતાથી સતર્ક છે અને જાન-માલને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી પ્રતિબદ્ધતાથી દિવસ-રાત કાર્યરત છે તેની સરાહના કરી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાહત કમિશ્નર આલોક પાંડે તથા વિભાગોના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જાેડાયા હતા.

error: Content is protected !!