આવતીકાલે કારતક વદ અગીયારશના દિવસથી તહેવારોની ઉજવણીનો પ્રારંભ : ધનતેરસ, દિપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ, જલારામ જયંતિ, દેવદિવાળી અને કારતીકી પુર્ણીમાના પર્વે અનેકપ્રકારના આયોજન
દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ તહેવારોની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને જેને લઈને તમામ બજારોમાં તેજીનો દોર શરૂ થયો છે.
આવતીકાલ કારતક વદ અગીયારશના દિવસથી તહેવારની ઉજવણીનો શુભારંભ થવાનો છે. ત્યારે તહેવારોના આ દિવસોમાં ઘર આંગણાની સજાવટને પ્રધાન્ય આપવામાં આવી રહ્યું છે. આપણે ત્યાં દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોના આ દિવસોમાં લોકો એકબીજાને હળેમળે અને પરસપરને શુભકામનાઓ પાઠવતા હોય છે. આવનારૂ નવું વર્ષ તમામ માટે સુખદાયી અને ફળદાયી નીવડે તેવી કામનાઓ કરતા હોય છે. દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો દરમ્યાન જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ વિશેષ પૂજાના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ધર્મસ્થાનોમાં દિપાવલીનું વિશિષ્ટ પૂજન તેમજ અન્નકોટ સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. ધનતેરસ, દિપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ, જલારામ જયંતિ અને દેવદિવાળી તેમજ કારતીકી પુર્ણીમા સહિતના તહેવારોની એક શૃંખલા શરૂ થવા જઈ રહી છે ત્યારે બજારોમાં ખરીદીનો માહોલ જાેવા મળે છે. પ્રકાશના આ પર્વને આવકારવા માટે અનેક પ્રકારની ખરીદીઓમાં લોકો ઉત્સાહીત બન્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ બજારોમાં મુખવાસથી લઈ અધ્યતન લાઈટ ડેકોરેશન સહિતની ચીજવસ્તુઓની ખરીદી પુરબહારમાં ખીલી ઉઠી છે. આ ઉપરાંત ઘર આંગણે અને વ્યવસાયીક પ્રતિષ્ઠાનોમાં આકર્ષક રંગોળી માટેના જુદા-જુદા કલરોનું પણ વેંચાણ થઈ રહ્યું છે. ફટાકડાની આતશબાજી માટે ફટાકડા બજાર પણ શરૂ થઈ રહી છે. જૂનાગઢ શહેરના મુખ્ય-મુખ્ય બજારમાં બપોરના સમયે તેમજ સાંજના સમયે ખરીદીનો માહોલ ઉઠવા પામ્યો છે. તો બીજી તરફ શાળાઓ અને કોલેજાેમાં પરીક્ષાઓ પુર્ણ થતા વેકેશન શરૂ થઈ રહ્યું છે. જયારે નોકરીયાત વર્ગ પણ તહેવારોમાં મળતી રજાઓને લઈને લાંબી ટુર ઉપર જવાના આયોજનો કરવામાં આવ્યા છે. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્ર તેમજ ફરવા લાયક તમામ સ્થળોએ આગામી દિવસોમાં માનવ મહેરામણ ઉમટી પડવાના છે. તહેવારોને લઈને એસટી બસ, રેલ્વે તેમજ ખાનગી ટ્રાવેલ્સ સહિતના વાહનો માટે અત્યારથી જ બુકિંગ થઈ રહ્યા છે અને સર્વત્ર તહેવારોને ઉમળકાથી વધાવવા લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.(તસ્વીર ઃ જયેશ મહેતા)