ભાવિકોની સુખસુવિધા માટે વહિવટી તંત્ર દ્વારા બેઠકનો દોર : તૈયારીને અપાઈ રહેલો ઓપ
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્રમાં દેવ દિવાળીના દિવસોથી લીલી પરિક્રમા શરૂ થનાર છે. ગિરનાર ફરતે ૩૬ કિલોમીટરના રૂટ ઉપર દર વર્ષે આ પરિક્રમા યોજાઈ છે અને ૧૦ લાખ જેવી સંખ્યા ભાવિકોની થાય છે ત્યારે આ વર્ષે વર્ષ સારૂ થતા ભાવિકોની સંખ્યા ૧પ લાખ સુધી પહોંચે તેવી શકયતાઓ છે અને જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો, પરિક્રમાનો મેળો અને પૂજય દાતારબાપુના ઉર્ષ મેળામાં હજારો ભાવિકો દર વર્ષે ઉમટી પડે છે અને સેવાનું પુનિત ભાથુ બાંધે છે. ત્યારે આ વર્ષે દેવ દિવાળીના દિવસથી શરૂ થતા પરિક્રમાના મેળામાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભોજન, ભજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા પરિક્રમાના આ મેળા અંગે અત્યારથી જ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અહી આવનારા લાખો ભાવિકોને પ્રસાદ-ભોજન માટેની પણ સેવાકીય મંડળો, ધાર્મિક સંસ્થાઓ, ઉતારા મંડળ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને ઠેરઠેર અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે. લાખોની સંખ્યામાં જયારે ભાવિકો ગિરનાર ક્ષેત્રમાં આવતા હોય જેને લઈને રોજગારીની પણ ઉત્તમ તક મળે છે. અહીં પરિક્રમાના મેળાને ધ્યાને લઈ નાના ધંધાર્થીઓથી લઈ લોકો રોજગારી માટે આવતા હોય છે અને દરેકને રોજગારીનું ક્ષેત્ર લાભદાયી સાબિત થાય છે. સંતોના દર્શનનો પણ આ મેળામાં લાભ મળે છે. દુર દુરથી યાત્રાળુ સંઘ પરિક્રમાના મેળામાં સહભાગી બને છે અને રાત્રીના વખતે પડાવ નાખી અને જંગલમાં મંગલ જેવું વાતાવરણ સર્જાય છે. આગામી લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.