જૂનાગઢમાંથી પશુપાલન મંત્રીનો નકલી પીએ ઝડપાયો, એમએલએ ગુજરાત લખેલું બોર્ડ મળ્યું

0

પશુપાલન મંત્રીના બોગસ પીએ રાજેશ જયંતિભાઇ જાદવ નામનો શખ્સ મોટો ટોપીબાજ હોવાનું અને સૌરાષ્ટ્રભરમાં છેતરપીંડીના ગુના તેની વિરૂધ્ધ નોંધાયેલ હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં જ બહાર આવ્યું

જૂનાગઢ તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન કારમાં પશુપાલન મંત્રીનો નકલી પીએ ઝડપી પાડ્યો હતો. તાલુકા પીએસઆઇ એસ.એ. ગઢવીએ રાત્રે સ્ટાફ સાથે સાબલપુર ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન વડાલ રાજકોટ તરફથી આવેલ જીજે-૧૧-એસ-૬૬૩૧ નંબરની કારમાં એમએલએ ગુજરાત લખેલ બોર્ડ હોય જેથી પોલીસે કાર રોકીને વાહન ચાલકને તેનું નામ પૂછતા મેંદરડા તાલુકાના સીમાસી ગામનો વતની અને હાલ જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલ ગાર્ડન સિટી સોસાયટીમાં રહેતા રાજેશભાઈ જયંતીભાઈ જાદવ(ઉ.વ.૫૩) હોવાનું અને પોતે પશુપાલન મંત્રી પુરૂષોત્તમ સોલંકીના અંગત મદદનીશ હોવાનું કહ્યું હતું. કારની તલાસી લેતા તેમાં આગળના ભાગે એમએલએ ગુજરાત લાલ અક્ષરથી લખેલ અને કમળના નિશાનવાળું બોર્ડ તેમજ શર્ટના ખિસ્સામાંથી “મો.૯૭૨૩૨ ૦૯૧૭૦, રાજેશભાઈ જયંતીભાઈ જાદવ, જૂનાગઢ અંગત મદદનીશ, પરસોતમભાઈ ઓ. સોલંકી મંત્રી-પશુપાલન ગુજરાત રાજ્ય ગાંધીનગર” લખેલ બે વીઝીટીંગ કાર્ડ પણ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા રાજેશ જાદવ પશુપાલન મંત્રીનો નકલી પીએ બની ડોળ કરતો હોવાનું જણાયું હતું. આથી પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની કાર રૂપિયા ૫,૦૦૦નો મોબાઈલ ફોન એમએલએ ગુજરાત લખેલું બોર્ડ અને બે વીઝીટીંગ કાર્ડ વગેરે કબજે કરી ગુનો નોંધ્યો હતો. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, આ શખ્સ માત્ર રોફ જમાવતો હોવાનું જણાયું હતું. આ શખ્સનો વ્યવસાય ખેતી હોવાનું જણાયેલ છે. આમ છતાં તેણે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં રોફ જમાવ્યો અને કોઈની પાસેથી નાણા મેળવ્યા છે કે કેમ ? તે અંગે જીણવટભરી તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકા પોલીસે સાબલપુર ચોકડીએથી એમએલએ જૂનાગઢનું બોર્ડ લખેલી ગાડી રોકાવતાં પકડાયેલા પશુપાલન મંત્રીના બોગસ અંગત મદદનીશ રાજેશ જયંતિભાઇ જાદવ નામનો શખ્સ મોટો ટોપીબાજ હોવાનું અને સૌરાષ્ટ્રભરમાં છેતરપીંડીના ગુના તેની સામે નોંધાયાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં જ બહાર આવી ગયું છે. તાલુકા પોલીસની પુછપરછમાં રાજેશ જાદવે જૂનાગઢના એ ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં છેક ૨૦૦૮ માં છેતરપિંડીનો ગુનો આચર્યો હતો. તો જૂનાગઢ કોર્ટમાં તેની સામે ચેક રિટર્નના ગુનાનો કેસ પણ પેન્ડિંગ છે. આ ઉપરાંત ઉપલેટામાં વર્ષ ૨૦૧૫ માં તેની સામે છેતરપિંડીના ૨ ગુના નોંધાયેલા છે. જ્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ૨૦૧૬ માં તેની સામે ખોટી ઓળખ આપીને બીજાને ડરાવવાનો ગુનો નોંધાયો હતો. આ અંગે તપાસનીશ પીએસઆઇ એસ.એ. ગઢવીએ જણાવ્યું હતું કે, પશુપાલન મંત્રીનો નકલી પીએ બની ડોળ કરવા સબબ પકડાયેલ રાજેશ જયંતિ જાદવને કોર્ટમાં રજુ કરી ૨ દિવસનાં રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે. તેણે મંત્રીનો અંગત મદદનીશ હોવાનું કહી કેટલા કામ કરાવ્યા ? તેમજ અત્યાર સુધીમાં કોઈ પ્રકારનો નાણાકીય લાભ મેળવ્યો છે કે કેમ ? તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!