છકડા ચાલકની મોબાઈલના કારણે જીવલેણ બેદરકારી : નાગેશ્વર નજીક રીક્ષા છકડા અકસ્માતમાં અમદાવાદના સોની મહિલાનું કરૂણ મૃત્યું : પિતા, પુત્ર સહિત ત્રણ ઇજાગ્રસ્ત

0

અમદાવાદ ખાતે રહેતા એક સોની સદગૃહસ્થ તેમના પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે એક પેસેન્જર રિક્ષામાં બેસીને જતી વખતે છકડા રિક્ષાના ચાલકે મોબાઈલ ફોનમાં વાત કરી અને ગંભીર બેદરકારી દાખવતા અન્ય રિક્ષા સાથે સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના સોની મહિલાનું કરણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેણીના પતિ તથા પુત્રને ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વતની તથા આઈ.ટી. કંપનીમાં કામ કરતા નિશાંતભાઈ ભરતભાઈ આદેસરા નામના ૩૨ વર્ષના સોની યુવાને મીઠાપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ફરિયાદી નિશાંતભાઈ તેમના પિતા ભરતભાઈ બાબુલાલ આદેસરા તથા માતા ચંદ્રિકાબેન ભરતભાઈ આદેસરા (ઉ.વ. ૬૩) સાથે દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે ગઈકાલે રવિવારે સાંજના સમયે તેઓ એક પેસેન્જર રિક્ષામાં બેસીને નાગેશ્વર, ગોપી તળાવ વિસ્તારના દર્શનાર્થે ગયા હતા. ત્યારે આ માર્ગ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૧૦ ટી.વી. ૨૮૬૫ નંબરના છકડા રીક્ષાના ચાલકે ચાલુ રિક્ષાએ મોબાઈલ ફોનમાં વાત કરી અને પોતાના રીક્ષા ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી છકડા રીક્ષાએ પેસેન્જર રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્‌યો હતો. આ અકસ્માતમાં પેસેન્જર રિક્ષામાં જઈ રહેલા સોની ચંદ્રિકાબેન આદેસરાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો નિશાંતભાઈ ભરતભાઈ આદેસરા તેમના પિતા ભરતભાઈ બાબુલાલ તેમજ રિક્ષાના ચાલક સાહેદ કિશનભાઈ ગોપાલભાઈ રાજાણીને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે સોની નિશાંતભાઈ આદેસરાની ફરિયાદ પરથી છકડા રીક્ષાના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. દર્શનાર્થે આવેલા સોની પરિવારને થયેલા આ અકસ્માતે ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

error: Content is protected !!