રૂા.ર.૩૮ લાખની રોકડ સહિત ૧૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે ૧પ ઝડપાયા
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે દારૂ, જુગાર સહિતની બદીઓને નાબુદ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે સુખનાથ ચોક, પીશોરીવાડા વિસ્તારમાં એક મકાનમાં રમાઈ રહેલા જુગાર અંગેની બાતમી મળતા એલસીબીનો કાફલો ત્રાટકયો હતો અને રૂા.૧૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે ૧પ શખ્સોને ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ શહેરના સુખનાથ ચોક પીશોરીવાડા વિસ્તારમાં એક મકાનમાં રાત્રે ૧૦ વાગ્યે એ ડીવીઝન પોલીસ કાફલાએ દરોડો પાડીને જુગારની કલબ પકડી પાડી હતી. સ્થળ ઉપરથી પોલીસે ર.૩૮ લાખની રોકડ સહિત ૧૭.૯૪ લાખના મુદ્દામાલ સાથે કુલ ૧પ ઈસમોને ઝડપી લઈને ગુનો દાખલ કર્યો છે. જૂનાગઢ એ ડીવીઝન પ્રોબેશનલ પીઆઈ વી.જે. સાવજ, પીએસઆઈ જે.આર. વાજા સહિતના સ્ટાફે બાતમીના આધારે રાતે ૧૦ કલાકે અહીના સુખનાથ ચોક પીશોરીવાડા શેરી-પમાં રહેતા સલીમ ચાંદ મોરીના મકાનમાં રેડ કરી હતી. અહી મકાનના એક રૂમમાં જુગાર રમતાસલીમ મોરી, સુધીર છગન ચાવડા(અવંતિકા એપાર્ટમેન્ટ, ધોરાજી), મહેબુબ હસન સાંધ(ધારાગઢ, જૂનાગઢ), સવદાસ રામા વદર(ધંધુસર, વંથલી), રાજુ ધીરૂ મુળીયાસીયા(ધંધુસર, વંથલી), ભૂપત સુરા સુત્રેજા(ધંધુસર, વંથલી) ઉપરાંત નિતીન પ્રભુદાસ સુચક(નાના વડાલા, કાલાવડ, જામનગર), રીયાઝશા સલીમશા રફાઈ(મોટી મારડ, ધોરાજી), હરદાસ વેજા મુળીફાસીયા(ઝાંઝરડા રોડ, આશિષ એપાર્ટમેન્ટ, મહેશનગર), બાલા ધીરૂ ગાલોરીયા(ઉપલેટા), કમલેશ કેશુ સાટોડીયા(મહાદેવવાડી, ગોંડલ), સિરાજ બાબુ સવાણ(ગોંડલ), મુસા ઈબ્રાહીમ વીશળ(વિશળ હડમતીયા, ભેંસાણ) અને હબીબ ઈબ્રાહીમ વિશળ(વિશળ હડમતીયા, ભેંસાણ)ને જુગાર રમતા ઝડપી લીધા હતા. સ્થળ ઉપરથી પોલીસે ર.૩૮ લાખ રોકડા, ૧.પ૬ લાખની કિંમતના ૧૬ મોબાઈલ અને ૧૪ લાખની કિંમતની બે કાર મળીને કુલ ૧૭.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તમામ ઈસમો સામે એ ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, સલીમ ચાંદ મોરી પોતાના ઘરમાં નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં મુદ્દામાલ સાથે ૧પ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા.