ગિરનાર પર્વતના ૩,૧૦૦ પગથિયે દીપડા દેખાતા યાત્રિકોમાં ભયની લાગણી

0

તાજેતરમાં ગિરનાર ક્ષેત્રમાં યોજાયેલી પરિક્રમા દરમ્યાન દીપડાએ હુમલો કરતા એક બાળકીનું મૃત્યું થયું હતું. જયારે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ અવાર-નવાર દીપડા આવી ચડતા હોય જેને લઈને લોકોમાં ભય ઉઠવા પામ્યો હતો. ગિરનાર જંગલ વિસ્તાર અને ભવનાથ વિસ્તારમાં અવાર-નવાર વન્યપ્રાણીઓ દેખા દે છે ત્યારે ગિરનારના ૩૧૦૦ પગથીયે દીપડા દેખાતા ભાવિકોમાં ભયની લાગણી ઉઠવા પામી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢના ગિરનારના ૩,૧૦૦ પગથિયે દીપડાએ દેખા દેતા યાત્રિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો ત્રાસ સતતવધી રહ્યો છેે. શહેરના દોલતપરા, ખામધ્રોળ, ટીંબાવાડી, મધુરમ સહિતના અનેક વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. પરિણામે શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે હવે આ દીપડાઓએ ગિરનાર પર્વત ઉપરના પગથિયા ઉપર પણ દેખા દીધી હોવાના વાવડ મળી રહ્યા છે. આ અંગે કેટલાક યાત્રિકોએ જણાવ્યું હતું કે, તેઓ વ્હેલી સવારે ગિરનાર પર્વતની યાત્રા કરી રહ્યા હતા. ત્યારે ૩,૧૦૦ પગથિયા આસપાસ બે દીપડાએ દેખા દીધી હતી. દીપડા હોવાની જાણ થતા યાત્રિકોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હતું. ગિરનારની યાત્રા કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. આવા યાત્રિકોની આખી રાત ગિરનારની સીડી ઉપર અવર જવર રહેતી હોય છે. ત્યારે સીડી ઉપર દીપડા દેખાતા ભાવિકો ભયથી થરથર ધ્રુજી રહ્યા છે. ત્યારે આવા દીપડાને કેદ કરવા યાત્રિકોમાંથી માંગ ઉઠી છે. દરમ્યાન આ અંગે આરએફઓ અરવિંદ ભાલીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ગિરનારના પગથિયે દીપડા દેખાયા હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે, પરંતુ અમને હજુ સુધી લોકોમાંથી જાણ- ફરિયાદ થઇ નથી. તેમ છતાં અમારી વન વિભાગની ટીમને સતર્ક કરી દેવાઇ છે અને સતત પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે. પેટ્રોલીંગ દરમ્યાન અમને હજુ સુધી દીપડા હોવાના કોઇ સગડ મળ્યા નથી તેમ છતાં અમે કોઇ રિસ્ક લેવા માંગતા નથી. માટે પુરતી નિગરાની રખાઇ રહી છે.

error: Content is protected !!