મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યુ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓનું પ્રકાશન કરેલું છે.
મુખ્યમંત્રીએ આ ત્રણેય પુસ્તકોના વિમોચન રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલાં મંત્રીઓની ઉપસ્થિતિમાં કર્યા હતા.
પાણી પુરવઠા વિભાગે આ એક વર્ષમાં રાજ્યભરમાં રૂ. ૯૬૯.૩૪ કરોડની યોજનાઓના ખાતમૂહુર્ત કર્યા છે અને ૧૦૯૬ જેટલા ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે.
એટલું જ નહિ, ૫૪૯.૨૨ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓના લોકાર્પણ દ્વારા ૮૨૩ ગામોને પાણી પહોંચતું કર્યું છે તેની સંપૂર્ણ વિગતો અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત છણાવટ આ માહિતીસભર પુસ્તકોમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે પુસ્તિકાનું વિમોચન થયું છે તેમાં ‘સૌને અન્ન-સૌને પોષણ’ અન્વયેની યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે.
જળ સંપત્તિ વિભાગે રાજ્યના દૂર દરાજના તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં સૌની, સુજલામ સુફલામ યોજના તેમજ ભૂગર્ભજળ સંગ્રહ વૃદ્ધિ માટેના અભિયાનોની સફળતા ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકમાં વર્ણવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકોના વિમોચન કર્યા તે અવસરે સંબંધિત વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!