જૂનાગઢ તાલુકાના વડાલ-કાથરોટા રોડ ઉપર ભક્તિની ભાવના અને શ્રદ્ધાના સમન્વય સાથે પુષ્ટિસંસ્કારધામના શિલાન્યાસ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

0

ગીર ગૌસંવર્ધન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ફુલ અને ઔષધીય છોડનુું પ્રદર્શન કરાયું : મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉમટી પડ્યા

જૂનાગઢના વડાલ-કાથરોટા રોડ ઉપર આવેલા પુષ્ટી સંસ્કારધામ ખાતે ગઈકાલથી સાત દિવસ સુધી શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧રપ વિઘા જમીનમાં આયોજીત આ મહોત્સવમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતા અને ભારે ઉત્સાહ અને ભાવપુર્વક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ધર્મભૂમિ સોરઠમાં જાણે સનાતન ધર્મ માટે સોનાનો સુરજ ઉગ્યો. પ્રભાતથી ભાવિકોના ઘોડાપૂર વડાલ-કાથરોટા રોડ ઉમટ્યા હતા. પ્રથમ દિવસે જ અંદાજે ૫૧,૦૦૦ જેટલા વૈષ્ણવો પુષ્ટિસંસ્કારધામ ખાતે અનેરા અવસરના સાક્ષી બનવા આવી ચૂક્યા છે. આ મહોત્સવના મહત્વના ભાગરૂપ વિવિધ પ્રદર્શનનીનું વિમોચન શ્રી પીયૂષબાવાશ્રી તથા આચાર્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત જન મેદનીએ હર્ષોલ્લાસથી વધાવી લીધેલ. આ પ્રદર્શનોમાં અદ્યતન એઆઈ ટેકનોલોજીથી લઈ થ્રીડી વોકથ્રુ દ્વારા મળતી જ્ઞાન-માહિતી અંગે નવી પેઢીને પણ રસ પડી રહ્યો છે, તો સાથોસાથ કૃષિ, ગોપાલક વિગેરે વિભાગોમાં ગ્રામ્ય ઉપરાંત શહેરી જૂથોએ પણ રસ દાખવેલ. સાંજે ચાર વાગ્યાથી મુખ્ય ઉપક્રમ શિલાન્યાસ વિધિની શરૂઆત આચાર્યશ્રી પરિવારના નેજા હેઠળ થઈ. અનેક સહયોગી પરિવારોએ આ અમૃતવિધિ નો લાભ લીધો ત્યારે, પેઢી દર પેઢી સદીઓ સુધી વિસ્તારનાર આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા માટે ગર્વ સાથે કૃતજ્ઞાતાની લાગણી અનુભવી. આ આયોજનનાં દ્વિતીય ચરણમાં વલ્લભકુળના આચાર્ય પરિવારો સહ શ્રીવ્રજવલ્લભબાવાશ્રી- શ્રીપુણ્યશ્લોકબાવાશ્રીએ દીપ પ્રાગટ્યના અવસરે ઉપસ્થિત રહેલ. પૂજ્ય ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના આશીર્વચનો બાદ આ વિશાળતમ સંકુલના દાનવીર સહયોગીઓ અને વિશિષ્ટ સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે નકશા ઉપરથી વાસ્તવિક રીતે આ પ્રોજેક્ટ ચરિતાર્થ કરવા માટે આર્કિટેક્ટ ટીમને સન્માનિત કરાઇ હતી. લોકોની આતુરતા સાથે ભજ ગોવિંદમ-ભરતનાટ્યમની અદભુત પ્રસ્તુતિ ‘શ્રી મુદ્રાલયા રેપર્ટરી ગ્રુપ’ ચેન્નઈથી ખાસ પધારેલ ટીમ દ્વારા થઈ હતી. આ કૃતિનો કન્સેપ્ટ તથા કોરિયોગ્રાફી કરનાર ડોક્ટર લક્ષ્મી રામાસ્વામી અને તેમના સાથીદારો કાઠીયાવાડી આગતા-સ્વાગતા અને ભોજન સ્વાદથી અભિભૂત થયેલ. સમગ્રતઃ સહયોગીઓ અને પધારેલ લાખો ભાવીકોએ ફેઝ-વનમાં થયેલ કાર્યો નિહાળી અને આવતા ફેઝમા થનાર પ્રોજેક્ટની થ્રીડી ઝલક મેળવી ધન્યતા અનુભવી હતી. હજારો કાર્યકર્તાઓની સમર્પિત મહેનતથી લાખો ભાવિકોએ પ્રસાદ લઈ વિશ્રામ લીધો ત્યારે આવતીકાલની વધુ એક કૃતિ ‘મધુરાધીપતે અખીલમ’નું ગાન જાણે મનમાં ચાલી રહ્યું હતું.

error: Content is protected !!