જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે કાતીલ ઠંડીની સામે પ્રાણીઓને રક્ષણ આપવા આગવી વ્યવસ્થા ગોઠવાઈ

0

સિંહ-દિપડા માટે લાકડાના પ્લેટફોર્મ-હિટર, શિયાળ માટે ખાસ ઘાસના બેડ સહિતની વ્યવસ્થા

જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે શિયાળાની કાતીલ ઠંડીના આ દોરમાં પ્રાણીઓ-પક્ષીઓ માટે તેમજ અહીં રહેલા વિવિધ જીવો માટે ઠંડીથી બચવા માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણીઓેને શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ આપવા માટેની તૈયારી શરૂ કરી દેવાઇ છે. ૧૦૦ વર્ષ કરતા વધુ જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને નિહાળવા માટે પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે જેને નિહાળવા પ્રવાસીઓ આવે છે તે પ્રાણીઓની ત્રણેય ઋતુમાં વિશેષ કાળજી લેવાય છે. ચોમાસામાં વરસાદી પાણી, મચ્છર જેવી જીવાતથી નુકસાન ન થાય, ઉનાળામાં આકરી ગરમીથી મુશ્કેલી ન પડે અને શિયાળામાં કાતીલ ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે સક્કરબાગ ઝૂ સંચાલકો દ્વારા ખાસ વ્યવસ્થા કરાય છે. હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે સક્કરબાગના પ્રાણીઓને માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે જેથી કડકડતી ઠંડીમાં પણ તેઓ પોતાનું રક્ષણ કરી શકે. આ અંગે ડીસીએફ અક્ષય જાેષીએ જણાવ્યું હતું કે, જુદા જુદા વન્યપ્રાણીઓની ઠંડી સહન કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે આવી જાય તો તમામ પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ માટેની સઘન વ્યવસ્થા કરી દેવામાં આવે છે. ખાસ કરીને શિયાળની ઋતુમાં ઠંડી વધી જતા માંસાહારી, તૃણાહારી પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકમાં વધારો કરવામાં આવે છે, જેથી તેનું મેટાબેલીઝમ વધારી શકાય. જ્યારે સરિસૃપો સુષુપ્ત અવસ્થામાં રહેતા હોય તેના ખોરાકમાં ઘટાડો કરાય છે. સક્કરબાગ ઝૂમાં ૧૩૫ તૃણાહારી પ્રાણીઓ, ૪ જળચર, ૧૮૮ હિંસક પ્રાણીઓ, ૭૨ સરિસૃપો, ૨૯૬ પક્ષીઓ મળી કુલ ૬૯૫ પ્રાણીઓ જાેવા મળે છે. જેમાં સિંહ, વાઘ, દીપડા વગેરે માંસાહારી પ્રાણીઓને રાત્રિના તેના રૂમમાં રાખી લાકડાના પ્લેટફોર્મ બેસવા માટે અપાય છે. જ્યારે નાના બચ્ચાના રૂમમાં હિટર ગોઠવવામાં આવે છે. જ્યારે વરૂ, શિયાળ, લોકડી જેવા નાના માંસાહારી પ્રાણીઓને લાકડામાંથી બનાવેલા બોક્ષ આપવામાં આવે છે અને તેના બેડીંગ તરીકે સૂકું ઘાસ આપવામાં આવે છે જેથી ઠંડીથી રક્ષણ મેળવી શકે. હરણ, સાબર, સસલા જેવા તૃણાહારી વન્યપ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસનો બેડ બનાવી દેવાય છે. મોર, પોપટ, ખીસકોલી, કબુતર જેવા પક્ષીઓ માટે સૂકા ઘાસનો બેડ, બલ્બ તેમજ રાત્રિના સમયે વધુ ઠંડી દરમ્યાન તેમના પાંજરાને ઢાંકી દેવામાં આવે છે. અજગર, સાપ જેવા સરિસૃપ પ્રજાતિના પ્રાણીઓના રૂમમાં હિટર અને બલ્બ ગોઠવવામાં આવે છે. જંગલી મુરઘા જેવા પક્ષીઓ માટે સૂકા ઘાંસમાંથી નાના નેસ્ટબોક્ષ બનાવી આપવામાં આવે છે સાથે તમામને એન્ટીસ્ટ્રેસ મેડીસીન અપાય છે.

error: Content is protected !!