સોરઠમાં કાતીલ ઠંડીના સપાટા વચ્ચે સોમવારે જૂનાગઢ, ગીર-સોમનાથ અને દિવ પંથકમાં કમોસમી વરસાદની આગાહી

0

છેલ્લા પાંચ દિવસથી ઠંડી યથાવત : આજે જૂનાગઢ શહેરમાં ૧૦ અને ગિરનાર ઉપર પ ડિગ્રી તાપમાન

શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ હાલ જૂનાગઢ સહિત સોરઠ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના લોકો કરી રહ્યા છે. ઠંડીની વધઘટ થયા કરે છે અને હાડધ્રુજાવતી ઠંડીના માહોલમાં નવા વર્ષમાં જ કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ર૦ર૩નું વર્ષ પુર્ણ થયા બાદ ર૦ર૪ના વર્ષના આગમનની સાથે જ કાતિલ ઠંડી સપાટો બોલાવી રહી છે ત્યારે જૂનાગઢ અને સોરઠમાં ટાઢુબોળ વાતાવરણ થયું છે. સતત પાંચમાં દિવસે પણ કાતિલ ઠંડી યથાવત રહી છે. આજે જૂનાગઢ શહેરનું તાપમાન જાેઈએ તો મહતમ ૧૧ ડિગ્રી, લઘુતમ ૧૦ ડિગ્રી, ભેજ ૮પ ટકા અને પવનની ગતિ ૪.૩ રહી છે. આમ જૂનાગઢ શહેરનું આજનું તાપમાન ૧૦ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર પ ડિગ્રી તાપમાન રહ્યું છે. દરમ્યાન કાતીલ ઠંડીના દોર વચ્ચે આગામી સોમવારે જૂનાગઢ, ગીર-સોમનાથ અને દિવ પંથકમાં વરસાદની શકયતા વધી ગઈ છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ સોમવારથી દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે. વરસાદી માહોલના કારણે રાજયમાં બેવડી ઋતુનો વર્તારો વધશે. રાજયમાં શિયાળાની શરૂઆત બાદ નિરંતર વાતાવરણમાં પલટો આવતા શિયાળુ પાક ઉપર સતત નુકસાનીનો ભય મંડરાયેલો જ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં માંડ ઠંડીનો ચમકારો વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ શરૂ થયો હતો. ત્યારે હવે ખેડૂતોની ચિંતા વધે એ પ્રકારના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી જ રાજયના વાતાવરણમાં પલટો શરૂ થશે અને સોમવારના રોજ દક્ષીણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં હળવો કમોસમી વરસાદ પડશે. બીજા દિવસે મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ જયારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજયમાં કમોસમી વરસાદી માહોલ સર્જાશે તો ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે.

error: Content is protected !!