થાર કારમાં સોમનાથ તરફથી ૧૬૫ બોટલ દારૂ સાથે આવતા જૂનાગઢના બે શખ્સ ઝડપાયા

0

પોલીસે વંથલી પાસે વોચ ગોઠવી ૧૦.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : એક ફરાર

થાર કારમાં સોમનાથ તરફથી ૧૬૫ બોટલ દારૂ સાથે આવતા જૂનાગઢના ૨ શખ્સને ક્રાઈમ બ્રાન્ચે વંથલી પાસેથી ઝડપી લઇ ૧૦.૬૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જૂનાગઢમાં જેલ રોડ પાસે મતવાવાડમાં રહેતો એજાજ ઉર્ફે એજુ ફારૂકભાઇ બ્લોચ અને અને તેનો પાડોશી ફિરોજ ઉર્ફે ધોબી યુનુસભાઈ ખત્રી પોતાની નંબર પ્લેટ વગરની થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સોમનાથ થી વંથલી તરફ આવતા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ રવિવારની સવારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન વંથલી પાસે હાઇવે ટોલ નાકા બાદ લુશાળા ફાટકથી ટીનમસ ગામની સીમમાંથી આ કાર પસાર થતાં પોલીસે ઈશારો કરતા કાર રોકવાના બદલે ભગાવી મૂકી હતી. પરંતુ એલસીબીના સ્ટાફે પીછો કર્યો હતો અને કાર આગળ દરગાહ પાસે પહોંચતા રસ્તો બંધ થઈ ગયો હોય કાર રોકીને તેમાંથી આ શખ્સોએ નાસી જવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે બંનેને પકડી લઈને થાર ગાડીમાંથી રૂપિયા ૪૪,૧૦૦નો ૧૬૫ બોટલ દારૂ મળી આવતા કાર અને દારૂ સહિત રૂપિયા ૧૦.૬૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી પૂછપરછમાં જૂનાગઢના બંને શખ્સો ગીર સોમનાથ જિલ્લાના ઉનાના અરબાજ મકરાણી પાસેથી દારૂ લઈને આવતા હોવાનું જણાવતાં આ ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!