જૂનાગઢમાં ફાયર એનઓસી, બીયુ સર્ટીફિકેટ મામલે ટયુશન સંચાલકો-વેપારીઓનો વિરોધ

0

સંચાલકોએ વધુ સમય આપવાની કરી માંગ : સમજણ માટે મનપાએ બોલાવેલ સેમિનારમાં પ્રશ્નોનો મારો ચલાવ્યો

જૂનાગઢમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટીફિકેટ મામલે જેમના એકમો સીલ થયેલા છે તેવા ટયુશન કલાસીસ સંચાલકો અને વેપારીઓને મનપા કચેરીમાં મ્યુ. કમિશ્નરને પ્રશ્નોના મારાથી ઘેરી લીધા હતા અને તેમને વધુ સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ મ્યુ. કમિશ્નરે સરકારના સુચન અનુસાર નિયમનું પાલન કરવા જણાવી વધુ સમય આપવાની સાફ ના પાડી દીધી હતી. રાજકોટની ઘટના પછી જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટીફિકેટ મામલે કડક વલણ અપનાવ્યું છે અને મોટાભાગના ટયુશન કલાસીસ અને અન્ય એકમોને સીલ કરી દીધા છે. ત્યારે આ મામલે વેપારીઓ, દુકાનદારો અને સંચાલક સમજણ આપવા માટે મનપા દ્વારા નિયમો અંગે સમજણ આપવા માટે મનપા કચેરીએ એક સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં શહેરના ટયુશન કલાસીસના સંચાલકો, વેપારીઓ એકત્ર થયા હતા. તેઓએ એક જ સવાલ કર્યો હતો કે, આખાયે બિલ્ડીંગમાં એક જ ટયુશન કલાસીસની ઓફિસને માત્ર બીયુ સર્ટીફિકેટ ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યા છે. તો બીયુ સર્ટીફિકેટ તો આખી બિલ્ડીંગનું ન હોય તો તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. તેમજ અમુક વેપારીઓ પાસે ઈમ્પેકટ હોવા છતાં તેમના એકમને સીલ કરી દેવામાં આવી છે. તો આ મામલે મનપાએ નિયમ મુજબ કામ કરવું જાેઈએ અને સમય આપવો જાેઈએ. આ અંગે મનપા કચેરીમાં કમિશ્નરની ચેમ્બર બહાર મોટી સંખ્યામાં સંચાલકો બેસી ગયા હતા અને ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો અને અંતે કમિશ્નર સાથે બેઠક કરી જેમાં દરેકે તેમને પડતી અગવડતા અંગે વેધક સવાલો કરીને રજુઆત કરી હતી. ત્યારે કમિશ્નરે કહ્યું હતું કે, જેમના એકમોને સીલ કરવામાં આવ્ય છે તેમણે તાકીદે અપ્લાય કરી આપે અને પછી તેમના સીલ ખોલવામાં આવશે. દરમ્યાન ટયુશન કલાસીસ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, હાલ ટયુશન કલાસીસ સીલ મારી દેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. હાલ ધોરણ ૧૦-૧રના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે તેમજ સીએના કલાસ શરૂ થયા છે. તે રીતે કમિટી બનાવી તે કમિટી કહેશે તે રીતે અમો ર૪ કલાકમાં બધા ડોકયુમેન્ટ રજુ કરી આપીશું અને અમોને સમય આપવામાં આવે. જયારે એક વેપારીએ કહ્યું હતું કે, ખરેખર જાે મહાપાલિકા નિયમ મુજબ કામગીરી કરી રહી હોય તો જૂનાગઢ શહેરમાં તો મોટા ભાગના એકમો પાસે બીયુ સર્ટીફિકેટ નથી તો મનપા તેમની સામે કાર્યવાહી કેમ નથી કરી રહી, નિયમ બધાને લાગુ પડવો જાેઈએ અને આ રીતે ખરેખર નિયમ મુજબ કામ કરો તો આખું જૂનાગઢ સીલ મારવું પડે તેમ છે પરંતુ મનપા દ્વારા અમુક એકમોને જ ટાર્ગેટ બનાવી રહી છે. આ સમગ્ર મામલે કમિશ્નર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે જયાં લોકોની ભીડ વધુ થતી હોય અને સેફટીના પ્રશ્નો હોય તેવા એકમો ઉપર તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સરકારની સુચના અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. જેથી હાલના તબક્કે જયાં જયાં લોકોની વધુ માત્રામાં એકઠા થવાની જગ્યાઓ હશે ત્યાં તપાસ કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!