સાસણના આરએફઓને મેડિકલ બિલ મુદ્દે જૂનાગઢ ખાતેની ગીર પશ્ચિમ વન વિભાગની કચેરીએ કાયમી શ્રમયોગીએ ગાળો કાઢી ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી.આ અંગે પોલીસસુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાસણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ રણછોડભાઈ રતનપરા મંગળવારે બપોરે જૂનાગઢમાં સરદાર બાગ ખાતે આવેલ વડી કચેરી ગીર પશ્ચિમ વન વિભાગ ખાતે ઓફિસની કામગીરી સબબ આવ્યા હતા અને ઓફિસના પ્લાન ટેબલ ધારક ડોડીયાભાઈ પાસે બેઠા હતા અને ઓફિસની કામગીરીની ચર્ચા કરતા હતા. ત્યારે ઓફિસમાં કામ કરતા કાયમી શ્રમયોગી ભગીરથભાઈ વી. શેખવાએ આવી તમને મારાથી શું વાંધો છે અને કેમ અમારા મેડિકલ બિલ મોકલેલ છે છતાંય હજુ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી તેમ કહી આરએફઓ રતનપરા સાથે ઉગ્ર થઈ, ઊંચા અવાજે બોલી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આરએફઓ રતનપરાની ફરિયાદ લઇ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને પીએસઆઇ એચ.બી. ચૌહાણે તપાસ હાથ ધરી હતી.