જૂનાગઢ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ, નમકનો જથ્થો નહી મળે

0

જૂનાગઢ તા.ર૦જૂનાગઢ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ, નમકના જથ્થો નહી મળે તેમજ ચણાની જરૂરીયાતની સામે માત્ર ૪૦ ટકા જેટલો જથ્થો અપાયો છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારોને રાશનનું વિતરણ કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાતો નિઃશુલ્ક ચોખા અને ઘઉનો જથ્થો સસ્તા અનાજના વિક્રેતાઓને ફાળવણી કરવામાં આવી છે. પરંતુ પરમીટ લઈને નાણા ભરીને લેવાતા મીઠું અને તુવેર દાળના જથ્થાનું વિતરણ નહી કરવામાં આવતા સસ્તા અનાજના વિક્રેતાઓ આ મહિને કમિશનથી વંચિત રહેશે. જયારે ચણાનો પણ આશરે માત્ર ૪૦ ટકા જેટલો ગોડાઉનમાં પડેલો સ્ટોકની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે સસ્તા અનાજના વેપારીઓ માલનો જથ્થો ફાળવે તે પહેલા જ પરમીટ મુજબના જથ્થાના નાણા ભરપાઈ કરવાના થતા હોય છે. પરંતુ સરકારે ગત મહિને તુવેર દાળનો માત્ર ૪૦ ટકા જ જથ્થો આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ મહિનાથી તુવેર દાળ અને મીઠાના જથ્થાનું વિતરણ કરવામાં નથી આવ્યું. સસ્તા અનાજ વિક્રેતાઓએ જણાવ્યું હતું કે, જયારે તુવેર હલકી ગુણવત્તાની આવતી ત્યારે ૧૦૦ ટકા જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ હવે તુવેર સારી ગુણવતા વાળી આવવા લાગતા છેલ્લા ૬ મહિનાથી પુરતો જથ્થો ફાળવવામાં આવતો ન હતો. તો બીજી તરફ જરૂરીયાતનો માત્ર ૪૦ કે ૪પ ટકા જ જથ્થો ફાળવવામાં આવતો હતો. કારણ કે, આ તુવેર બજારમાં રૂા.૧પ૦ થી ર૦૦ની કિલો લેખે વેંચાણ થતી હોય જયારે સસ્તા અનાજની દુકાને માત્ર રૂા.પ૦માં કિલો લેખે વેંચાણ થતું હોવાને લીધે સરકાર જરૂરીયાત મંદ પરિવારોને અનાજના જથ્થાથી વંચિત રાખવાની પેરવી કરી રહી હોવાનું સામે આવ્યું છે. હાલ જૂનાગઢ શહેર તથા નવ તાલુકા સહિત જીલ્લાની વાત કરવામાં આવે તો ૪પ૮ સસ્તા અનાજના વેપારીઓ રહેલા છે. જેમની તુવેરની ર૩૭ મેટ્રીક ટન, ચણાની ર૩૮ અને મીઠું ર૩૬ મેટ્રીક ટન જરૂરીયાત રહેલી છે. સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખથી ૧૦ સુધીમાં તમામ જથ્થાનું વિતરણ કરી ફાળવણી કરવામાં આવતી હોય છે. આ મહિને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતો ચોખા અને ઘઉંના જથ્થાની ફાળવણી કરાઈ છે. જેની સામે રાજય સરકાર દ્વારા અપાતો તુવેર દાળ, મીઠું અને ચણાના જથ્થાની હજુ સુધી ફાળવણી કરવામાં આવી નથી. જયારે આ મહિને મીઠું અને તુવેર દાળની ફાળવણી નહી કરવામાં આવે તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાગરીક પુરવઠા નીગમ નાયબ જીલ્લા મેનેજર વી.કે. સેલાનીએ જણાવ્યું હતું. જેના કારણે વેપારીઓ કમિશનથી વંચીત રહેશે. હાલ જીલ્લાની ર૩૮ મેટ્રીક ટન ચણાની જરૂરીયાત રહેલી છે. જેની સામે ર૦ દિવસ બાદ પણ માત્ર ૧૦૭ મેટ્રીક ટનનું વિતરણ કરવામાં આવ્યું છે. જે અનાજ અગાઉથી જ ગોડાઉનમાં પડેલો રહ્યો હતો તે જથ્થાને હાલ એફપીએસ સુધી પહોંચતો કરાયો છે. આગામી સમયમાં સરકાર જથ્થો આપશે તો ફાળવણી કરવામાં આવશે તેમ નાયબ જીલ્લા મેનેજર વી.કે. સેલાનીએ જણાવ્યું હતું.

error: Content is protected !!