ગુજરાતમાં એક વર્ષમાં વધુ ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0

ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની મુખ્યમંત્રીની સૂચના : વર્ષ ૨૦૨૪-૨૫માં ૩,૨૪૫ મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન : પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ૯,૨૭,૫૫૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પાંચ-પાંચ ગામના ૨,૯૧૬ ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિષ્ણાત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિષ્ણાત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૩.૯૮ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની દાંતીવાડા, આણંદ, નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીઓના ત્રણ વર્ષના સંશોધનોથી વૈજ્ઞાનિક સાબિતી મળી છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ઉત્પાદન પહેલા જ વર્ષે વધે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં બમણો સુધારો થાય છે. ભૂમિની ફળદ્રુપતા પાછી લાવવી હશે, લોકોનું સ્વાસ્થ્ય સુધારવું હશે અને પર્યાવરણ બચાવવું હશે તો પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ મિશન છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની સૂચના આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ ઉપર કામ કરવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. ગત વર્ષે ગુજરાતમાં ૩,૧૦૭ મોડલ પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરાયા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં વધુ ૩,૨૪૫ મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કૃષિ વિભાગ પરિણામલક્ષી પ્રયત્નો કરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે ગત વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો છે. પરિણામે કેન્દ્ર સરકારની યોજના મુજબ ગુજરાતને ૧,૦૦૦ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ પણ મળશે. તેમણે આ રકમ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે વાપરવાની જાહેરાત કરી હતી. તેમણે હજુ વધુ ગંભીરતાથી પરિણામલક્ષી કામ કરવા અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને અનુરોધ કર્યો હતો.

error: Content is protected !!